વેપારીઓમાં ફફડાટ:દાંતાના ફેરશૂક મોલમાં તોલમાપના દરોડા, વેપારીને રૂ.1.16 લાખનો દંડ

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોલમાં ધાણા, મેથી અને મરી મસાલા સહિતની સીલબંધ પેકેજો પર પેકેજ કોમોડીટીઝ ના નિયમ મુજબ કોઈ જ પ્રકારના નિર્દેશન કરાયા ન હતા

દાંતામાં ફેરશૂક મોલમાં બુધવારે જીલ્લા તોલમાપ અધિકારીની ટીમે દરોડો પાડી આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યાં મોલમાં વેચતા પેકેજ પર નિયમ ભંગ થતો હોવા સાથે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જેને લઈ મોલના જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા 1.16 લાખનો દંડ કરતા દાંતાના અન્ય લેભાગુ વેપારીઓમાં ફફડાટની લાગણી પ્રવર્તી છે.

દાંતામાં હાઇવે સ્થિત ફેરશૂક મોલમાં ગ્રાહકોનું હિત જોખમાતું હોવાની હકીકત દાંતા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ વિપુલભાઈ પ્રજાપતિને થઈ હતી. જેને લઈ તેમણે જીલ્લા તોલમાપ અધિકારી અને સ્ટેટ કક્ષાએ યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી હતી. જેને લઈ જીલ્લા તોલમાપ અધિકારી એસ.વી.પટેલના તાબા હેઠળના નિરીક્ષક વરૂણ ચૌધરી, રાહુલ ભૂટકા અને ચંદનસિંહ કુકણાની ટીમે બુધવારે ફેરશૂક મોલમાં દરોડો પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન મોલમાં ધાણા, મેથી, અને મરી મસાલા સહિતના સીલબંધ પેકેજો પર પેકેઝ કોમોડિટીઝ રૂલ્સ-2011 ના નિયમ મુજબ કોઈજ પ્રકારના નિર્દેશન કરેલા ન હોવાનું અને ઉત્પાદક અને પેકર તરીકેના નિયમો મુજબ નોંધણી કરેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું.

મોલના જવાબદાર વ્યક્તિઓએ કાયદા અને નિયમોનો ભંગ કરી અને પેકેટો વહેંચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા સબબ તોલમાપ અધિકારી દ્વારા ફેરશૂક મોલના જવાબદાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા 1,16,000 નો ગુનો મંદીવાળની વસુલાત કરી હતી.

કેટલાક વેપારી અશિક્ષિત વસતિ સાથે પણ તોલમાપથી માંડી મેન્યુફેક્ચરિંગ ડેટ બાબતે ઉઘાડી છેતરપિંડી આચરાતી હોવા સાથે ગ્રાહકોને પાકા બીલ પણ ન આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે તંત્ર આ દિશામાં ગ્રાહકનું હિત ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રજા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...