મહામેળામાં ભક્તોનો પ્રવાહ નિરંતર ચાલુ:આજે અંબાજી મેળાના ત્રીજા દિવસે 2.65 લાખ ભક્તોએ માઁના ચરણે શીશ ઝૂકાવ્યું; પગનો મસાજ કરતું મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું

અંબાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શક્તિપીઠ અંબાજીમાં મહામેળો શરૂ થતાં આજે ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માઁ અંબાના ધામ પહોંચ્યા છે. તો બોલ મારી અંબેના નાદથી માંનું મંદિર ગુંજી ઉઠ્યું છે. આજે મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાથે આવ્યા હતા. માં અંબાનો આશીર્વાદ મેળવ્યા બાદ સુખકારી જીવનની કામના કરી હતી. અંબાજી નગરી ચારે બાજુ ભાવિભક્તોથી ઉમટી રહી છે. માઇભક્તો પોતાના સઁઘ સાથે પગપાળા ચાલતા અંબાજી આવી રહ્યા છે. મોટી સંખ્યામાં આજે માતાજીના ધામે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

2 લાખ 65 હજાર 256 માઇભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા
આજે ભાદરવી મેળાના ત્રીજા દિવસે અંબાજી મંદિરમાં બપોરે 3 કલાક સુધીમાં અંદાજીત 2 લાખ 65 હજાર 256 માઇભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા હતા. તો અત્યાર સુધી મહામેળા દરમ્યાન કુલ 8 લાખ 54 હજાર 888 યાત્રાળુઓ માઁ અંબાના ચરણે પહોંચ્યા છે. સાથે અંબાજી માતાજીના પ્રસાદના 2 લાખ 22 હજાર 700 પેકેટનું વિતરણ થયું હતું. તો અંબાજી મંદિરમાં ફરાળી ચિક્કીના 4 હજાર 462 પેકેટનું વિતરણ થયું હતું. અંબાજી મંદિરમાં આવેલી દાનની રકમ 24 લાખ 37 હજાર 872 રૂપિયા થઈ હતી. શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન માટે માઇભક્તોનો અવિરત પ્રવાહ નિરંતર જોવા મળી રહ્યો છે.

મેળાના ઇતિહાસમાં પ્રથમવાર પગનો મસાજ કરતું મશીન મુકાયું
દૂર દૂરથી આવતા પદયાત્રિકો-દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પોમાં સેવાભાવી માઇભક્તો યાત્રિકોની માલિશ અને મસાજ કરી પુણ્યનું ભાથું મેળવી રહ્યા હોવાની અનુભૂતિ સાથે સેવાનો ધર્મ નિભાવી રહ્યા છે. ત્યારે અંબાજીની નજીક કોલેજની સામે અંબા અમર સેવા કેમ્પમાં સૌ પ્રથમવાર યાત્રિકોની થકાવટ દૂર કરવા પગનો મસાજ કરતા મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાના આટલા વર્ષોના ઇતિહાસમાં આ સુવિધા સૌપ્રથમવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ફૂટ મસાજર મશીન થોડીક જ મિનિટોમાં યાત્રાળુઓનો થાક દૂર કરી તેમને રાહત આપે છે. જેના લીધે આ મશીન યાત્રિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર આનંદ પટેલે પણ આ સેવા કેમ્પની મુલાકાત લઈ આયોજકોની સેવાભાવનાની સરાહના કરીને સુવિધાને વખાણી છે.

અન્ય સમાચારો પણ છે...