સાર્વત્રિક મેઘમહેર:દાંતામાં સાડા ત્રણ ઈંચ,ધાનેરામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ

પાલનપુર, અંબાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 42 તાલુકાને વરસાદે ભિંજવ્યા, 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

દાંતા તાલુકામાં બુધવારે સવારે બે કલાકમાં 68 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે 24 કલાકમાં સાડા ત્રણ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો સહિત દાંતાની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ ઘુંટણ સમા પાણી ભરાયા હતા. જેને લઇ દર્દીઓ સહિત સ્ટાફને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે ધાનેરામાં એક કલાકમાં 1 ઇંચ અને સુઇગામમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો. દાંતા તાલુકામાં બુધવારે વહેલી પરોઢે 6 થી 8 માં બે કલાકમાં 68 મીમી એટલે કે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ દાંતાની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે દાંતાની રેફરલ હોસ્પિટલ નગરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ હોવા સાથે ઉકાંચલી નદીના પટ પર બાંધવામાં આવેલી છે.

ભૂતકાળમાં પણ વર્ષ 2006 માં રાત્રિ દરમિયાન રેફરલમાં પાણી ફરી વળતા લાખોનું નુકશાન અને દર્દીઓનું પણ રેસ્ક્યુ કરવાની નોબત ઉભી થવા પામી હતી. જ્યારે ધાનેરા તાલુકામાં પણ બપોરે 2 થી 4 માં 25 મિમિ વરસાદ પડ્યો હતો. જેને લઇ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે સુઇગામમાં 4 થી 6 માં 13 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે વડગામ, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ અને દિયોદરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

દાંતામાં ખાબકેલ વરસાદને પગલે નદી નાળા ઉભરાયા
દાંતામાં બુધવારે વહેલી પરોઢે ખાબકેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળા ઉભરાયા હતા. અર્જુની કે જે મુક્તેશ્વર ડેમમાં જઈને મળે છે તે નદીમાં ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નદી તો ઉભરાયેલી જોવા મળી હતી.

દાંતા રેફરલમાં પ્રસૂતાને લઈ જવામાં મુશ્કેલી
વહેલી સવારે દાંતા તાલુકાના છોટા પીપોદરાની એક પ્રસૂતાને 108 દ્વારા દાંતા રેફરલમાં લાવવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં પાણી ફરી વળતા વાહન પણ અંદર પ્રવેશી શકે તેમ ન હોઈ 108 ના પાયલટ સજ્જનસિંહ સહિત આરોગ્ય કર્મચારીઓએ મહા મુસીબતે દર્દીને સારવાર અર્થે દાખલ કરી હતી.જ્યાં ડૉ.બી.એસ.ગઢવી સહિત આરોગ્ય કર્મચારીઓએ પ્રસૂતાની નોર્મલ ડિલિવરી કરતા તેણીના સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...