તીર્થધામ અંબાજીમાં મા અંબાના રાજભોગ સમાન મોહનથાળનો પ્રસાદ પૂરો થતાં શુક્રવારે બપોર 1.16 વાગ્યાથી વિતરણ બંધ કરી દેવાયું હતું. બીજી બાજુ, હજુ સુધી પ્રસાદ બનાવતી એજન્સીને નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર અપાયો નથી. પરિણામે હવે ભક્તોને માતાજીની પરમ આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ નહીં જ મળે.
શુક્રવારે દૂરદૂરથી મા અંબાના દર્શનાર્થે આવેલા માઈભક્તોએ મોહનથાળનો પ્રસાદ નહીં મળતાં વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, આ નિર્ણય શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ખિલવાડ સમાન છે. જ્યારે સ્થાનિક અંબાજીવાસીઓ પણ મંદિરના પ્રસાદ બાબતે લેવાયેલા તઘલખી નિર્ણય અંગે ભારે ટીકા, રોષ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક માઇભક્ત સુનિલભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, મોહનથાળ જ માતાજી અને અંબાજીની આગવી ઓળખ છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી પ્રસાદની પરંપરા છે. જેની સાથે વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓની પણ પરમ આસ્થા સમાયેલી છે.
મોહનથાળ જ માતાજી અને અંબાજીની આગવી ઓળખ
ત્યારે વહીવટી તંત્રને ચીક્કી વેચવી હોય તો વેચે પણ મોહનથાળનો પ્રસાદ તો બંધ ન જ થવો જોઈએ. જોકે, માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, ચીકીના સૂકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ ચાલુ છે. જોકે, અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. સોમનાથ, તિરુપતિ સહિતનાં મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે, જે મંદિરોની માંગ જોઈને અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઇતિહાસમાં પ્રથમવાર પ્રસાદ બનાવવાની કામગીરી બંધ
વર્ષોની પરંપરા મુજબ માતાજીનો મોહનથાળ બને છે. જ્યાં ગ્રહણ હોય કે પછી મંદિર પ્રક્ષાલન ક્યારેય પ્રસાદની કામગીરી બંધ રહી નથી. માતાજીની પરંપરા વિરુદ્ધ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરતાં ભૂતકાળમાં પણ વીસેક વર્ષ પૂર્વે માતાજીના રાજભોગ કે જે શુદ્ધ ઘીમાંથી બને છે અને તેના ચૂલામાં પણ લાકડું વપરાતું હોય, ગેસ પર બનાવવાનો નિર્ણય લેવાયો હતો, તે સમયે એકાએક ગેસના સિલિન્ડરોમાં આગ ભભૂકી હતી.
પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ, ભક્તોને મન તો મોહનથાળના પ્રસાદનું જ મહત્વ છે
પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. જેમ શનિદેવને ટોપરાનો પ્રસાદ, શ્રીનાથજીમાં થોળ, મહુડીમાં સુખડી, ડાકોરમાં મગજ એમ અંબાજી માતાજીના મોહનથાળના પ્રસાદનું મહત્વ છે. વર્ષોથી બધા જ પ્રયત્નો કરી જોયા પણ માઈભક્તોને મન તો મોહનથાળના પ્રસાદનું જ મહત્વ છે. એટલું જ નહીં, મોહનથાળના પ્રસાદની એ પણ વિશેષતા છે કે તેની બનાવટમાં કોઈ કેમિકલ કે રંગ પણ નાખવામાં આવતો નથી, તેમ છતાં સ્વાદિષ્ટ બને છે. ઘી અને ખાંડ હોવા છતાં કીડી ઉભરાતી નથી.- મંદિર પૂજારી, ભટ્ટજી મહારાજ
મંદિરમાં ચીકીનો પ્રસાદ પ્રમોટ કરાયો છે: કલેક્ટર
પ્રસાદ બદલવાને લઇ મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો હતાં. જે બાદ મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે.
- આનંદ પટેલ, કલેક્ટર, બનાસકાંઠા
દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ
હિન્દુ હિતરક્ષા સમિતિએ દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ આપી ફરી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા માંગ કરી છે. નહીં થાય તો અંબાજી બંધ રાખવા અને ભૂખ હડતાળ કરવાની ચીમકી સાથે આવેદન પત્ર આપ્યું હતું.
મોહનથાળની પ્રથા 500 વર્ષથી પણ જૂની, પરંપરા તોડી બંધ કરવી ખૂબ જ નિંદનીય
માતાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદની પ્રથા 500 વર્ષથી પણ પુરાણી છે. મંદિરના પૂજારીઓના પૂર્વજો દ્વારા માતાજીને રાજભોગ ધરાવાતો હતો. ગુજરાતભરનાં મંદિરોમાં અંબાજીના મોહનથાળની એક આગવી ઓળખ અને આસ્થા જોડાયેલી છે. જે પરંપરા તોડી પ્રસાદ બંધ કરવી ખૂબ જ નિંદનીય છે. > પૂર્વ રાજવી કુંવર રિદ્ધિરાજસિંહજી, દાંતા રજવાડા (સ્ટેટ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.