દાંતા તાલુકાનું નાનકડું સેબળીયા ગામ જ્યાં આઝાદી પછી ગામમાં દારૂ પર પ્રતિબંધ છે. પોલીસ મથકે ગામનો એક પણ કેસ નોંધાયો નથી. ગામના પોતાના નિયમો છે. જેનો ભંગ કરે તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.
સેબળીયા ગામે દારૂને ગામવટો આપી સમગ્ર જીલ્લામાં સરાહનીય ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે. આ અંગે ગલબાજી ઠાકોર અને અરણજી ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતુ કે, દેશ આઝાદ થયો તે પછીથી ગામમાં દારૂ વેચવા, પીવા ઉપર પ્રતિબંધ લદાયો છે. ગામનો પોતાનો નિયમ બનાવવામાં આવ્યો છે.
જેમાં ગામનો કોઇ પણ વ્યકિત દારૂ પીવે તો રૂપિયા 50,000નો દંડ કરવામાં આવે છે. જ્યારે લગ્ન કે અન્ય પ્રસંગમાં મહેમાન દારૂ પીને આવે ઝઘડો કરે તો જેના ઘરે આવ્યો હોય તે યજમાન પાસેથી રૂપિયા 10,000નો દંડ વસુલ કરવામાં આવે છે. ગામમાં હજુ સુધી કોઇ ઝઘડા કે અન્ય ક્રાઇમ સહિતની ફરિયાદ પોલીસ મથમના ચોપડે નોંધાઇ નથી. ગામમાં ઠાકોર, ઠાકોર, દેસાઇ, દેવીપૂજક અને રાવળ સમાજની 1500ની વસ્તી છે.
ગામમાં નિયમો જળવાય રહે તે માટે એક કમિટી બનાવવામાં આવી છે. મોટાભાગે લોકો ખેતી સાથે સંકળાયેલા હોઇ ઘરે ઘરે ટ્રેકટર ધરાવે છે.પશુપાલન અને ખેતી થકી આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે. ગામના યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
વ્યસન ન હોવાથી ગામમાં વડીલોની સંખ્યા પણ વધુ
ગામની ખાસિયત એ છે કે, વડીલોની સંખ્યા વધુ છે. 80 વર્ષથી વધુની ઉંમર ધરાવતાં દાદાઓ ગામના સામાજિક પ્રશ્નો ઉકેલે છે. તેમનું કહેવું સર્વને માન્ય રહે છે. તેમના થકી જ આજ સુધીમાં માત્ર એક વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ છે. બાકી સમરસ ચૂંટણી યોજાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.