બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે તા. 6 જાન્યુઆરી-2023 ના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે ભાવીભક્તો દ્વારા ગબ્બર ખાતે આવેલી અખંડ જ્યોત લાવીને મા જગતજનની અંબાના નિજ મંદિરમાં આવેલી જ્યોતિથી મળાવી મંદિરના શક્તિ દ્વાર આગળ માતાજીની આરતી કરવામાં આવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા-જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે. અંબાના પ્રાગટ્ય દિવસે મા અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઇભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
30 ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરાયું
મા અંબાના પ્રાગટ્ય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો મા અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોષી પૂનમ મા અંબાનો પ્રાગટય દિવસ હોઈ તેને અનુરૂપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત ગબ્બરથી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધી જ્યોત યાત્રા નીકાળવામા આવી હતી. તેમજ અંબાજી નગરમાં હાથીની અંબાડી પર મા અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 1600 કિલો બુંદીની પ્રસાદ અને 2100 કિલો સુખડીની પ્રસાદ ભાવિ ભક્તોને વિતરણ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 30 જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભૂદેવો, યજમાનો મહાયજ્ઞમાં આહુતિ આપી યજ્ઞને પરિપૂર્ણ કરશે
મા અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 જેટલા યજમાનો ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આજે માતાજીના પાટોત્સવ નિમિત્તે અંબાજી મંદિરમાં મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોના મહામારી સાથે વિશ્વ કલ્યાણ માટે આજે મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જેમાં તમામ ભૂદેવો સાથે યજમાનો આ મહાયજ્ઞમા આહુતિ આપી યજ્ઞને પરિપૂર્ણ કરશે.
ગુજરાત ભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા
પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોઈ ધાર્મિક દૃષ્ટિએ તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.