બે દિવસીય કો.ઓપરેટીવ અધિવેશનનો પ્રારંભ:મંત્રીએ કહ્યું- સહકારી ક્ષેત્રનું કામ નાનામાં નાના માણસને મદદ કરીને અર્થતંત્રને મજબૂત બનાવવાનું છે

અંબાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ઉત્તર ગુજરાત કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન, ઉત્તર ગુજરાત કો.ઓપરેટીવ બેંક્સ ફેડરેશન અને સહકાર ભારતીના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા બે દિવસીય કો.ઓપરેટીવ અધિવેશન-2023નો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મંત્રીએ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.

આ પ્રસંગે સહકારી માળખાને મજબૂત બનાવવા પર ભાર મુકતા જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે, સહકારી ક્ષેત્રનું કામ નાનામાં નાના માણસને મદદ કરીને અર્થતંત્રને મજબૂત બનાવવાનું છે. સહકારી માળખાને મજબૂત કરવા માટે યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધારવા તેમણે અનુરોધ કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું કે, દેશમાં સશક્ત સહકારી માળખા માટે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવા સહકાર મંત્રાલયની શરૂઆત કરાવી અમિતભાઇ શાહને સહકારીતા વિભાગનું નેતૃત્વ સોંપ્યું છે. તેમણે કહ્યું કે, સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા યુવાનોએ આગળ આવી ઇનોવેટીવ કામ કરવું પડશે. રાજ્યના સહકાર વિભાગ દ્વારા તમારા જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં સહકાર સંમેલન અને વર્કશોપનું આયોજન કરી નવી પેઢીને સહકારી માળખાની તાલીમ અપાશે.

સહકારના માધ્યમથી લોકોના ઘર અને પરિવાર સુધી પહોંચવું છે. તેમણે કહ્યું કે, ક્રેડિટ સોસાયટીઓ અને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. તેનાથી વ્યક્તિના આર્થિક ધોરણમાં શું ફેરફાર થયો છે તેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે‍. સહકારના માધ્યમથી ગરીબ લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવી સમાજ સેવાના કામમાં સહભાગી બનવા તેમણે સહકારી આગેવાનોને અપીલ કરી હતી. મા અંબાના ધામ ભેગા થયા છીએ ત્યારે સહકારી ક્ષેત્રમાં નવી યશગાથા લખાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સહકાર ભારતીના પ્રદેશ અધ્યક્ષ કાંતિભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, સમગ્ર ભારતમાંથી અહીં આવીને સહકારી ક્ષેત્રની તાલીમ મેળવી શકે તે માટે અંબાજી ખાતે સહકારી ટ્રેનીંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. કોરોના કાળમાં આત્મનિર્ભર ભારત યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 17 જેટલી બેંક અને ક્રેડિટ સોસાયટીના પ્રતિનિધિઓનું મંત્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

આ પ્રસંગે RBIના ડિરેક્ટર સતિષજી મરાઠે, મહેસાણા અર્બન કો.ઓપ. બેંકના ચેરમેન જી.કે.પટેલ, ઉત્તર ગુજરાત બેંક ફેડરેશનના ચેરમેન શિવરામભાઇ પટેલ, સહકારી અગ્રણીઓ સર્વ જશુભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ, કે.સી.પટેલ, પી.કે.પટેલ, પૂર્વ ધારાસભ્ય નથાભાઇ પટેલ સહિત સમગ્ર રાજ્યમાંથી વિશાળ સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...