અંબાજીમાં બાળકોની સુરક્ષાની વ્યવસ્થા:તંત્ર-વોડાફોનના ઉપક્રમે બાળકોની સલામતીની વ્યવસ્થા કરાઈ; 79 બાળકોને RFID કાર્ડ પહેરાવાયાં; કંટ્રોલ પોઇન્ટ પર 4 બાળકો મળી આવ્યાં

અંબાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

તા. 5મી સપ્ટેમ્બરથી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનારા યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવે છે. મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતો હોઈ નાના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના કે ગુમ થવાના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ચાલુ સાલે મેળામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘મેળામાં બાળકની સુરક્ષા જવાબદારી આપણા સૌની" સ્લોગન સાથે માતૃ મિલન-પ્રોજેક્ટની રચના જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-1098, પોલીસ વિભાગ અને વોડાફોનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી છે.

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ
જેમાં ગઈકાલે સોમવારે વોડાફોન કંપની મારફતે કુલ 79 બાળકોને આર.એફ.આઇ.ડી કાર્ડ પહેરાવવામાં આવ્યા હતા. તેમજ કંટ્રોલ પોઇન્ટ પર કુલ 4 બાળકો મળી આવ્યા હતા. જે પૈકી મહિસાગરથી મળી આવેલા બે દીકરીઓને તેમની માતા અને અન્ય વાલી વારસો સાથે સુખદ મિલન કરાવ્યું હતું. જ્યારે બીજા બે બાળકોના વાલીઓનો સંપર્ક કરી બાળકોને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. વિખુટા પડેલા બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન થતાં પરિવારજનોએ માતૃ મિલન પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

બાળકોને RFID રેડિયો ફિકવન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ પહેરાવવામાં આવે છે
​​​​​​​બાળકની સુરક્ષા માટે સૌ પ્રથમ તો બાળક મેળામાં પરિવારથી વિખૂટું પડે જ નહીં તે માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે. માતૃમિલન પ્રોજેક્ટ અંતર્ગત નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવારની શોધખોળ તેમજ ગુમ થયેલ બાળકોની શોધખોળની કામગીરી તથા વિખુટા પડેલ બાળકને પરિવાર ન મળે ત્યાં સુધી બાળકને સલામત કસ્ટડીમાં રાખવાની કામગીરી કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી બાળકોને RFID રેડિયો ફિકવન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ પહેરાવવામાં આવે છે.

વડગામ મામલતદાર અને તેમની ટીમ દ્વારા અંબાજીમાં હોટલો-ગેસ્ટ હાઉસની તપાસણી
અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના સુચારુ આયોજન અને દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી માટે કુલ-29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવેલી છે. આ સમિતિઓ અંતર્ગત હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ સમિતિ દ્વારા આજે અંબાજીની હોટલોની ચકાસણી કરવામાં આવી હતી. આ સમિતિના સભ્ય મામલતદાર વડગામ અને તેમની ટીમ દ્વારા અંબાજીમાં હોટલો, ગેસ્ટ હાઉસ તપાસણી કરી નિયતભાવો કરતાં વધુ ભાવો યાત્રાળુ પાસેથી ન મેળવે તેની તકેદારી રાખવા હોટલ માલિકોને સુચના આપી હતી. આ ઉપરાંત હોટલોમાં રાંધવામાં આવતા ખોરાકની પણ ચકાસણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...