ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ અંજલિ ભાવરા અને અન્ય સચિવો અંબાજી ખાતે ભૂતકાળમાં ભિક્ષાવૃતિ કરતાં અને અત્યારે એને ત્યજીને શિક્ષણ તરફ વળેલા બાળકો અને પરિવારોના જીવનમાં આમૂલ પરીવર્તન લાવનાર ‘ભીખે નહીં, ભણવા જઈએ’ના સૂત્ર સાથે શરૂ થયેલા પ્રોજેકટ અંગે માહિતી મેળવવા તથા આ વિશેષ પહેલનો અભ્યાસ કરવા માટે ખાસ અંબાજી આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંયોજક ઉષા અગ્રવાલ દ્વારા સચિવને સમગ્ર પ્રોજેકટ અંગે પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સચિવ અંજલિ ભાવરાએ ભીખ માંગવાનુ બંધ કરી શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંચાલિત શાળામાં અભ્યાસ કરતાં અને દરરોજ ગબ્બર તળેટી ખાતે બાળકો સાથે ગબ્બર પરિસરમાં વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેઓએ આ બાળકોને એમના ભૂતકાળ વિષે, તેમના અભ્યાસ, રસ-રૂચિ, રમત-ગમતમાં મેળવેલ સિદ્ધિઓ તથા કારકીર્દી સબંધિત ચર્ચા કરી હતી. તેઓએ આ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા અને અન્ય બાળકોને પ્રેરણા પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા અને આગવી પહેલ તથા શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી ભિક્ષાવૃતિ સાથે જોડાયેલા બાળકોના પરિવારોને આ કાર્યમાંથી બહાર નિકાળવા કુંભારિયા ખાતે રહેવા માટે પાકા મકાનો બનાવી આપવામાં આવ્યા છે. કુંભારિયા ખાતે શક્તિ વસાહતમાં સચિવ અંજલિ ભાવરાએ આ પરિવારના લોકોને મળીને એમની સાથે ચર્ચા કરી હતી. તેઓએ બહેનોને તેમના કામ અને બાળકોના શિક્ષણ વિશે પુછપરછ કરી હતી. અહીં રહેતા પરિવારજનોએ આ પ્રોજેકટથી એમના જીવનમાં આવેલ પરિવર્તન અંગે જણાવતા કહ્યું હતું કે, ઘણા વર્ષો સુધી તેઓ ભીખ માંગતા હતા અને ખૂબજ કષ્ટદાયક જીવન વિતાવતા હતા. એમના બાળકો પણ ગંદકીમાં રહેતા હતા. આ પ્રોજેકટ દ્વારા એમના જીવનમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે પરિસ્થિતિ બદલાઈ છે. તેઓએ ભીખ માંગવાનુ સદંતર બંધ કરી દીધું છે. તેઓને રહેવા માટે સારું મકાન મળ્યું છે. બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે અને પરિવારની સ્ત્રીઓ પણ વ્યવસાય કરીને આર્થિક ઉપાર્જન કરી રહી છે.
બનાસકાંઠા વહીવટી તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના આ અનોખા પ્રોજેકટની મુલાકાત વખતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીના અંગત સચિવ શાંતનુ અગ્રહરી, નાયબ સચિવ અમરીશ બહાદુરપાલ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીકે.કે.ચૌધરી, શ્રી શક્તિ સેવા કેન્દ્રના દુર્ગેશભાઈ અગ્રવાલ, કુંભારિયા ગામના સરપંચ ગોવા ડુંગશિયા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જિલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.