મંદિરની પવિત્રતા જાળવવા વિધિ કરાશે:આવતીકાલે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે; સરસ્વતી નદીના પાણીથી મંદિરને સાફ-સફાઈ કરાશે

અંબાજી16 દિવસ પહેલા

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો માઁ અંબાના મંદિરમાં આવી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો પૂરો થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે. લાખો લોકોના આગમનના કારણે મંદિરની પવિત્રતાને લઈને દર વર્ષે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે. હાલમાં 5થી 10 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. જેમાં 25 લાખ કરતા વધુ માઇભક્તો માઁ અંબાના દર્શનાર્થે આવ્યા હતા. જેથી આ વખતે અંબાજી મંદિરમાં આવતીકાલે 13 સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવશે.

પ્રક્ષાલન વિધિ માટે સરસ્વતી નદીના પાણીનો ઉપયોગ કરાશે
અંબાજી મંદિરમાં યોજાતી પ્રક્ષાલન વિધિમાં અંબાજી માતાજીના શ્રી યંત્ર સાથે માતાજીની સવારી, આભૂષણો અને ગર્ભગૃહની તમામ પૂજા સામગ્રી સાથે અંબાજી મંદિરને સાફ સફાઈ સાથે ધોવામાં આવે છે. અંબાજી મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ માટે કોટેશ્વરની પવિત્ર સરસ્વતી નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિના લીધે કાલે સવારના દર્શન 7:30થી 11:30 સુધી થશે અને બપોરે દર્શન 12:30થી 1:30 સુધી થશે. ત્યારબાદ 1:30 વાગે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિની શરૂઆત કરવામાં આવશે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ માતાજીનો શણગાર કર્યા બાદ સાંજની આરતી આશરે રાત્રે 9 કલાકે કરવામાં આવશે. જો કે તારીખ 14-09-22થી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

અન્ય સમાચારો પણ છે...