હુકુમ:દાંતાની સરકારી જમીન અંગે તત્કાલ કાર્યવાહી કરવા પીએમઓનો આદેશ

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રા.પં.ની સર્વે નં.21 પૈકીની જમીનનું દબાણ દૂર કરવા રજૂઆત કરાઇ હતી

તાલુકા મથક દાંતાની હાઇવે ટચ સરકારી જમીન કે જાહેર ઉપયોગમાં આવે તેમ હોવા છતાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું નથી. જેને લઇ ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે. દાંતા મથકે ગ્રામ પંચાયત પાસે પ્રજાને પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા અને ઘરવિહોણા લાભાર્થીઓનેજમીન ફાળવવા ગામતળની જમીન જ નથી. જે સરકારી જમીન હયાત છે તે દબાણદારોની ચુંગાલમાં ફસાયેલી છે.

એટલું જ નહીં ગ્રામજનો માટે બસ સ્ટેન્ડ જેવી પાયાની સુવિધા પણ નથી. ત્યારે તાલુકા મથકે જ ગામના હાર્દસમા વિસ્તાર અને મુખ્ય હાઇવે ટચ આવેલી સર્વે નં.21 પૈકીની સરકારી જમીન કે જે જાહેરહિતના ઉપયોગમાં આવે તેવી હોવા છતાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતું નથી. એટલું જ નહીં આ સરકારી જમીન લીઝ પટ્ટો પણ પૂરો થયે વર્ષો વિતી ગયા. જે માટે છેલ્લા કેટલાયે વર્ષોથી ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

ત્યારે દાંતા ગ્રામ પંચાયત દ્વારા આ સરકારી જમીનનું દબાણ દૂર કરવા મુખ્યમંત્રી, ખાસ સચિવ, વિજિલન્સ વિભાગ સહિત પ્રધાનમંત્રી કાર્યાલય સુધી તા.22 ઓગષ્ટ-2022 ના લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જીલ્લા કલેકટર અને દાંતા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને લગત પ્રશ્ન પરત્વે તપાસ કરી વિગતવાર અહેવાલ પાઠવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇ અન્ય સરકારી જમીન પર ઘર કરી ગયેલા દબાણદારોમાં ફફડાટ વ્યાપ્યો છે તો બીજી તરફ ગ્રામજનોને પણ પાયાની સુવિધા મળી રહે તેવી આશા બંધાઇ છે.

આ અંગે દાંતા નાયબ મામલતદાર અરુણાબેનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ‘આ સરકારી જમીન બાબતે અગાઉ પણ દબાણ દૂર કરવાની ભલામણ કરવામાં આવી હતી. જ્યારે અત્યારે આ ફાઈલ કલેકટર કચેરી કક્ષાએ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

ત્યારે કલેકટર કક્ષાએ આ સરકારી જાહેર હિતમાં આવે તેવી જમીન પરનું દબાણ ખુલ્લું કરવા ક્યા કરણસર ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે તે બાબતે પણ પ્રજાજનોમાં ભારે આશંકાઓ ઉભી થવા પામી છે. નોંધનીય છે કે આ જમીન અંગે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ ગ્રામજનો દ્વારા રજુઆત કરતા દબાણ ખુલ્લું કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.’

અન્ય સમાચારો પણ છે...