ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ત્યારે આજે રવિવારના દિવસે યાત્રાળુઓની સંખ્યામાં વધોરો જોતાં હવે ચીકીનો પ્રસાદ પણ બંધ થવાની તૈયારીમાં છે. અંબાજીમાં ચીકીના પ્રસાદનો મર્યાદિત સ્ટોક જ વધ્યો છે. અંબાજી મંદિરને આપેલા 48 કલાકનો અલ્ટીમેટમ પૂર્ણ થતાં હિન્દૂ હિત રક્ષા સમિતિની મીટીંગ મળી હતી. જેમાં અંબાજી બંધનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ કરાયો છે. હોળી અને ધુળેટીના પર્વને લઈ 2 દિવસ બાદ નિણર્ય લેવામાં આવશે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
પ્રસાદ બાબતે હિન્દૂ હિત રક્ષા સમિતિની બેઠક
હિન્દુ હિત રક્ષા સમિતિની મોહનથાળ બંધને લઇ અંબાજીમાં મીટીંગ યોજાઇ હતી. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા 48 કલાકનો અલ્ટીમેટમનો સમયગાળો પૂર્ણ થતા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હિન્દુ રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરને 48 કલાકમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી ચાલુ કરવા કહેવામાં આવ્યું હતું. 48 કલાક દરમિયાન ફરીથી મોહનથાળનો પ્રસાદ ન ચાલુ કરાય તો ભૂખ હડતાળ અને અંબાજી ગામને બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અંબાજી મંદિર નજીક આવેલા મહાદેવના મંદિરે આજે હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યો અને ગ્રામજનો આ મિટિંગમાં જોડાયા હતા. ત્યારે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 8 તારીખે ફરી મીટીંગ ગ્રામજનો સાથે કરી આ આંદોલનને આગળ વધારવામાં આવશે. હોળી અને ધુળેટીના પર્વને લઈ બે દિવસ બાદ આપેલા અલ્ટીમેટમ પર આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને જરૂર પડશે તો ભૂખ હડતાલ અને અંબાજી ગામને બંધ કરવાની કામગીરીની પ્રક્રિયા 8 તારીખે જે મીટીંગ યોજાશે તેમાં નિર્ણય લેવામાં આવશે.
અંબાજીમાં ચીકીનો મર્યાદિત સ્ટોક વધ્યો
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થયા બાદ હવે ચીકીનો પ્રસાદ પણ બંધ થવાની તૈયારીમાં છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની ગાદી પર મોહનથાળનો પ્રસાદ અને ચીકીનો પ્રસાદનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. અંબાજી મંદિર પાસે હવે ચીકીનો મર્યાદિત સ્ટોક વધ્યો છે જે આજે સાંજ સુધી ચાલી શકે એમ જણાઈ રહ્યું છે. ભટ્ટજી મહારાજની ગાદી પર પણ પ્રસાદ ન હોવાથી ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં હવે મોહનથાળ અને ચીકીનો પ્રસાદ બંને ભક્તોને ન મળે તેવી શક્યતાઓ હાલ સર્જાઈ છે.
આજે રવિવારના દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દૂર દૂરથી મા અંબાના ચરણે આવી પહોંચ્યા હતા. ત્યારે તેમને મોહનથાળનો મહાપ્રસાદ ન મળતાં યાત્રાળુઓ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના આ નિર્ણયને લઈને વિરોધ દર્શાવ્યો હતો. અંબાજી મંદિરમાં માઈભક્તોનો ભારી હોબાળો જોવા મળ્યો હતો. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા તમામ ભક્તો નારાજ થયા છે. ત્યારે માઈ ભક્તો જણાવી રહ્યા છે કે અમને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો મહાપ્રસાદ ફરી એકવાર મંદિરે ચાલુ થવો જોઈએ. અંબાજી મંદિર ખાતે 3 માર્ચથી મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. તો તેના બદલામાં ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી આવતા ભક્તોએ મોહનથાળનો મહાપ્રસાદ ન મળતાં પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
મોહિની કેટરર્સના મેનેજરે જણાવ્યું હતું કે, આ મોહનથાળનો મહાપ્રસાદ શુદ્ધ દેશી ઘી માં બનાવવામાં આવતું હોય છે. તમામ ભક્તિભાવથી કામદારો પૂર્ણ કરે છે. શુદ્ધ દેશી ઘી માં બનેલી મહાપ્રસાદ મોહનથાળને લઈ કેટલીવાર ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા તેમની તપાસ પણ કરવામાં આવી હતી. જેને લઈને તેમની પણ રિપોર્ટમાં 45 દિવસ સુધી આ મહાપ્રસાદ ખાવા યોગ્ય ગણાયું હતું. તો સાથે સાથે અંબાજી મંદિરને ગૌરવ બનતો ભોગનો એવોર્ડ પણ મોહનથાળના લીધે આપવામાં આવ્યો છે. તો સાથે સાથે મોહનથાળ બંધ થતા સમગ્ર પ્રક્રિયા મેકિંગ પેકિંગથી લઈને 1,000 થી 1200 કામદારોની રોજીરોટી છીનવાઈ છે. વહીવટી તંત્ર વહેલી તકે ફરી એકવાર મોહનથાળનો મહાપ્રસાદ શરૂ કરે તેવી ગ્રામજનો અને માઇભક્તો દ્વારા અરજ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.