ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળી છે. ગુજરાતમાં ભાજપને 156 બેઠકો મળી છે. ત્યારે તમામ નેતાઓ અને ધારાસભ્યો વિજય થતા માઁ જગતજનની અંબાના ધામે આવી રહ્યાં છે. ત્યારે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને પાલનપુર બેઠકના ઉમેદવાર અનિકેત ઠાકર વિજય થતા આજે અંબાજી આવ્યા હતા. અંબાજી ભાજપ મંડળ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી ભાજપ મંડળ અને કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગાડા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલે માઁ અંબાના દર્શન કર્યા
ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનો વિજય થતા આજે હાર્દિક પટેલ માઁ અંબાના ધામે અંબાજી આવી પહોંચ્યા હતા. માઁ જગતજનની અંબાના મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. માતાજીના ગર્ભગ્રહમાં વિષેશ પૂજા અર્ચના કરી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. માઁ જગતજનની અંબાએ જીત માટે જે હિંમત અને શક્તિ આપી હતી તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
હાર્દિક પટેલે જનતાનો આભાર વ્યક્ત કર્યો
મોટી લીડ સાથે વિજય થયેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ મને એક જવાબદારી સોંપી છે. તો હું મારી જવાબદારી સમજી ગુજરાતની જનતા માટે કામ કરીશ અને ગુજરાતના વિકાસનો સહભાગીદાર બની ગુજરાત માટે અને ગુજરાતની જનતા માટે કામ કરતો રહીશ. જનતાએ મારા પર વિશ્વાસ મુક્યો છે, તો હું આ વિશ્વાસને કોઈ દિવસ તૂટવા નહીં દઉં. સાથે હાર્દિક પટેલે જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અનિકેત ઠાકરે પૂજા વિધિનો લાભ લીધો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરનો વિજય થતા આજે પાલનપુર બેઠકના ભાજપ ઉમેદવાર અનિકેત ઠાકર અંબાજી આવી પહોંચ્યા હતા. તો માઁ જગતજનની અંબાના નિજ મંદિર પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. માઁ જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના ભટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં અનિકેત ઠાકરે પૂજા વિધિનો લાભ લીધો હતો.
ગુજરાતની સુખકારી માટે માઁ અંબાને પ્રાર્થના કરી
માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા બાદ અનિકેત ઠાકર મંદિરની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે રક્ષા પોટલી બંધાવી હતી અને આશીર્વાદ મેળવ્યો હતો. તો સાથે સાથે જનતા જનારધનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની જનતાના સુખકારી જીવન માટે માઁ જગતજનની અંબાને પ્રાર્થના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.