"જય અંબે"ના જયઘોષથી અંબાજી ગુંજ્યું:મહામેળાના બીજા દિવસે શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ; કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માઁના ચરણે શીશ ઝૂકાવ્યું

અંબાજી22 દિવસ પહેલા

માં જગત જનની અંબાની નગરી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ છે. તો આજે ભાદરવી મહામેળાનો બીજો દિવસ છે. લાખોની સંખ્યામાં માઇભક્તો પોતાના સંઘ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. ઢોલ-નગાડા અને ડીજે સાથે નાચતા ગાતા માઁના ભક્તો ધજા લઈને અંબાજી મંદિર પહોંચી માતાજીનો આશીર્વાદ મેળવી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું છે. સેંકડો કિલોમીટરથી માઇભક્તો પગપાળા અંબાજી આવી અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી તેમની કામના પૂર્ણ કરી રહ્યા છે.

અર્જુનસિંહ ચૌહાણે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મંત્રીએ ગર્ભગૃહમાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ટેમ્પલ ઇન્સપેક્ટરશ્રી સતીષભાઇ ગઢવીએ માતાજીનો ખેસ પહેરાવી મંત્રીનું સ્વાગત કર્યું હતું.

લાખો લોકોનો માઁ અંબાના પ્રત્યે શ્રદ્ધાભાવ જોઈ અંબાજી નગરીમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 5 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત રીતે આદિવાસી કન્યાઓના હસ્તે શુભારંભ કરાયો હતો. તો શક્તિપીઠ અંબાજીમાં મહામેળાનો માહોલ જામ્યો છે. આજે મેળાના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી તરફ વધી રહ્યા છે. તો અંબાજી મંદિરની કતારો માઇભક્તોથી ઉભરાઈ રહી છે. અંબાજી મંદિર હજારોની સંખ્યામાં માઇભક્તોના જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે.

અન્ય સમાચારો પણ છે...