ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન:બનાસકાંઠા જિલ્લા કલેકટરે માં અંબાના શિખરે ધજા ચડાવી, મેળાના સેવા સંઘોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું

અંબાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે 24 લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂનમના દિવસે તા. 10 સપ્ટેમ્બરના રોજ મેળાના સમાપન પ્રસંગે અંબાજી મંદિરના ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સંઘોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું.

સેવા કેમ્પોની સેવાભાવનાને વંદન
આ પ્રસંગે કલેકટરે સેવા કેમ્પોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, સેવા સંઘોએ માઇભક્તોની ખુબ સરસ સેવા કરી છે. આ વખતે તંત્ર દ્વારા સફાઇ બાબતે ખુબ કાળજી રાખીને સ્વચ્છતા રાખવામાં આવી છે. હજી પણ બે દિવસ સફાઇની કામગીરી સઘન રીતે કરીને અંબાજીના રસ્તાઓ અને અંબાજીને સ્વચ્છ, સુંદર બનાવી દેવાશે. તેમણે કહ્યું કે, સેવા કેમ્પોની સેવાભાવનાને નત મસ્તકે વંદન કરુ છું. મેળા દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓની માઇભક્ત યાત્રિકોએ ખુબ સારી પ્રશંસા કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, માં અંબાની કૃપાથી મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. આ પ્રસંગે અગ્રણી કે. સી. પટેલ, વહીવટદાર આર. કે. પટેલ સહિત ભાદરવી સંઘ સેવા કેમ્પોના સંચાલકો અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવ્યા
બે વર્ષ બાદ યોજાઈ રહેલો ભાદરવી પૂનમનો આ વખતે વહીવટીતંત્ર માટે એક પડકાર સમાન હતો. શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન, વિસામો, પાર્કિંગ, આરોગ્ય, સુરક્ષા અને જાન માલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર માટે મોટો પડકાર હતો. નોંધનીય છે કે, જિલ્લા કલેકટ આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા માટે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની જવાબદારી પ્રથમવાર તેમના શિરે હતી. પરંતુ ટીમ બનાસકાંઠાના સંયુક્ત પ્રયાસોથી અને તંત્રના સુચારુ આયોજન થકી આ મેળો એક યાદગાર મેળો બની રહ્યો છે. ટીમ બનાસકાંઠાએ અંબાજી મેળાને માંના આશીર્વાદ ગણી માં અંબાનો અવસર સુખરૂપ પાર પાડ્યો છે.

માઇભક્તોએ ગરબાની રમઝટ બોલાવી
આજે ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે સાંજની આરતી પહેલાં માઇભક્તોએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. મેળો સુખરૂપ સંપન્ન થતા સેવા કેમ્પના આયોજકો માથે ગરબો લઇને ગરબે ઝુમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...