કડાકા ભડાકા સાથે વરસાદ:દાંતામાં વીજળી પડતાં માલધારી અને 50 બકરાંના મોત

અંબાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે-બપોરે ગરમી, સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ, ઉ.ગુ.ના 23 તાલુકાઓમાં વરસાદ,પાલનપુરમાં 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ
  • માણેકનાથના ડુંગર વિસ્તારમાં બે ભાઈ બકરાં ચરાવવા ગયા હતા, એક ભાઈ બકરાં લઈ ઘરે પહોંચ્યો, બીજો ઘરે ના આવતાં શોધખોળ દરમિયાન મોડી સાંજે ઘટના સામે આવી

દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં રવિવારે એકાએક વીજળી પડતા માલધારી યુવક સહિત 50 બકરાંના મોત નીપજ્યા હતા. અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી છે.છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 23 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં 6 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 17 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ થતાં વાતાવરણમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે ઠંડક પ્રસરી હતી.

ભચડીયા ગામના માલધારી સમાજના આગેવાન કેવળભાઈ દેસાઈના જણાવ્યા મુજબ અડેરણ (ત) ગામના ચમનભાઈ દેવરાજભાઈ રબારી (35) અને તેમનો ભાઈ બકરાં ચરાવવા રવિવારે માણેકનાથ ડુંગર વિસ્તારમાં ગયા હતા. દરમ્યાન સાંજના સુમારે એક ભાઈ બકરાં લઇને નીચે ઉતરી ઘરે પહોંચી ગયો હતો. પરંતુ બીજો ભાઈ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનો ડુંગર વિસ્તારમાં શોધ ખોળ હાથ ધરી હતી.

જ્યાં વીજળી પડવાથી ચમનભાઈ સહિત તેના 50 બકરાના મોત નીપજ્યા હોવાનુ જોવા મળ્યું હતું. ઘટનાને લઇ નાનકડા ગામ સહીત સમગ્ર માલધારી સમાજમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા પ્રવર્તી જવા પામી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ પણ માલધારી લોકો ડુંગર પર અન્ય પશુ ધન શોધવાની કવાયત હાથ ધરી રહ્યા છે. મૃતકનો દેહ પણ હજુ સુધી નીચે લાવવામાં આવ્યો નથી.

કાંકરેજ -વડગામ દોઢ ઇંચ,લાખણી- ડીસામાં એક ઇંચ વરસાદ
બનાસકાંઠા જીલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે શનિવાર રાત્રીથી વરસાદ શરૂ થયો છે. જ્યાં રવિવારે સાંજે 6 કલાકે પુરા થતાં ચોવિસ કલાક દરમિયાન સૌથી વધુ પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કાંકરેજ - વડગામ દોઢ ઇંચ, લાખણ- ડીસામાં એક ઇંચ સહિત અન્ય વિસ્તારોમાં અડધાથી વધુ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જીલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે શનિવારે બપોરે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. જ્યાં અંબાજી, પાલનપુર સહિતના વિસ્તારમાં ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન રાત્રે પાલનપુર પંથકમાં ભારે વરસાદ થયો હતો.

રવિવારે સવારે ઉઘાડ નીકળ્યા પછી બપોર બાદ પુન: આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. દિવસે પણ અંધકાર છવાયો હતો. અને મુશળધાર વરસાદ પડ્યો હતો. આ અંગે ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, રવિવારે સાંજે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે કાંકરેજ - વડગામ દોઢ ઇંચ, લાખણી- ડીસામાં એક ઇંચ સહિત અન્ય વિસ્તારોમાં અડધાથી વધુ ઇંચ વરસાદ થયો હતો. ખેડૂત વિહાભાઇ પટેલે જણાવ્યું કે, વરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતોનો ઘાસચારો અને બાજરી અને મકાઇનો પાક સૂકાઇ રહ્યો હતો. તેવા અણીનચા સમયે જ વરસાદ આવતાં પાકને જીવતદાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...