જમીનોનુ દબાણ:દાંતામાં સરકારી જમીનો પરનું દબાણ દૂર કરવામાં નિષ્ક્રિયતા

અંબાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતામાં મહામૂલી સરકારી જમીનો પર ગરકાયદેસર દબાણોને લઈ ગામનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. એટલુંજ નહિ માથાભારે દબાણદારોની ચુંગાલમાંથી સરકારી જમીન ખુલ્લી કરવા સરકારી તંત્ર પણ વામણું પુરવાર થયું છે.

દાંતા ખાતે છતી સરકારી જમીને તંત્રને ધોળા દિવસે જમીન શોધવાની નોબત ઉભી થતી હોય તેવો ઘાટ સર્જાયો છે. ગ્રામ પંચાયતમાં ગામ તળના અભાવે ઘરવિહોણા ગરીબ પરિવારોને કે પછી સરકારી ઇમારત ઉભી કરવા માટે પણ તંત્રને ફાંફા થઈ રહ્યા છે.

બીજી તરફ ઠેર ઠેર સરકારી મહામૂલી જમીન પર ગેરકાયદેસર દબાણ અને ક્યાંક તો સરકારી જમીન પર ગેરકાયદેસર પેટા ભાડુઆતોનુ ભાડું પણ વર્ષો થઈ ઉઘરાવાતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. અને સરકારી બાબુઓ આ બાબતે ઓંખ મીચામણા કરતા હોવાના આક્ષેપો અને રોષ પ્રજામાં ઉઠ્યો છે.

આ અંગે દાંતા ગ્રામ પંચાયતના સરપંચ હરપાલસિંહ રાણાના જણાવ્યા મુજબ દાંતા ગ્રામ પંચાયત પાસે ગામતળ જ નથી. સરકારી જમીનો પરનુ દબાણ તંત્ર પ્રજાહિતમાં ખુલ્લુ કરવામાં આવે તે પણ જરૂરી છે.

દાંતામાં ક્યાં કેટલું દબાણ?
દાંતાના સર્વે ન.117 માં 40 વર્ષ અગાઉ 1982 માં 26 એકર 27 ગુંઠા સરકારી જમીન આયુર્વેદિક ઉદ્યાન માટે નિમ્ન કરવામાં આવી હતી. પરંતુ આ મહામૂલી સરકારી અને પ્રજાપયોગી જમીન પર આજ સુધી ઔષધીય વનસ્પતિ ઉગાડવામાં આવી જ નથી. હાલ તેની પર ગેરકાયદેસરનુ દબાણ થઇ જવા પામ્યું છે.

  • દાંતાના સર્વે નં. 21 હાઇવેને અડીને આવેલ છે તેની પર પણ ગેરકાયદેસર દબાણ અને વાણિજ્ય ઉપયોગ થઇ રહ્યો છે.
  • દાંતાના સર્વે નં.75 માં પણ સરકારી જમીન દબાણદારોની ચુંગાલમાં ગૌચર સલામત નથી.
  • દાંતાના સર્વે ન 95 /2 ની દોઢસો એકર જમીન દાયકાઓ પૂર્વે ગૌચર માટે નિમ્ન કરવામાં આવી હતી.પરંતુ આજે ગોધન ભૂખે ભટકી રહ્યું છે અને ગૌચર પર ગેરકાયદેસર દબાણ અને સિમેન્ટ કોક્રીટનુ સામ્રાજ્ય છવાયું છે.
અન્ય સમાચારો પણ છે...