દાંતાના રાણપુર નો યુવક શનિવારે સાંજે તેમના પરીવાર સાથે તેના પિતરાઇ બહેનનાં લગ્નમાં ચિખલા ગામે ગયા હતા. જ્યાં યુવકનાં પિતરાઇ ભાઇઓએ બોલાચાલી કરી વહેલી સવારે યુવકને ભોળવી ઘર પાછળ લઇ જઇ પીઠના ભાગે ચપ્પાનાં ઘા મારી હત્યા કરી દેવાતા લગ્નપ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
ઓળખવાનો ઇન્કાર કરતા મામલો બિચક્યો
દાંતાના રાણપુર ગામના સુરમાભાઇ કાળાભાઇ પરમાર તેમના પરિવાર સાથે શનિવારે સાંજે ચિખલા ગામે તેમના કાકા નરસાભાઇ નાનાભાઇ પરમારની દિકરીના લગ્નમાં ગયા હતા. ત્યાં તેમના પિતરાઇ ભાઇ ખીમાભાઇ ઉદાભાઇ પરમારને મળ્યા હતા. પણ તેને પિતરાઇ ભાઇ હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી તેનું ગળું પકડી લેતાં મામલો બિચક્યો હતો.
પીઠનાં ભાગે ઘા મારી આરોપીઓ ફરાર
એક તરફ લગ્નનાં ગીતો ગવાતા હતા ત્યારે રવિવારે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સુમારે સુરમાભાઇનાં ત્રણ પિતરાઇ ભાઇઓ સુરમાભાઇને ફોસલાવી ઘરની પાછળ લઇ જઇ અણદાભાઇ ઉદાભાઇ પરમાર અને શંકરભાઇ ઉદાભાઇ પરમારએ સુરમાભાઇને પકડી રાખ્યો હતો અને ખીમાભાઇ ઉદાભાઇ પરમારે તેના હાથમાના ચપ્પાના પીઠનાં ભાગે ઘા મારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
લગ્નપ્રસંગ માતમમાં ફેરવાતાં દોડધામ
ચપ્પાનાં ઘા થી ઇજાગ્રસ્ત બનેલો સુરમાભાઇ તરફડીયા મારતો ઘર આગળ જ તેનું મોત નિપજ્યું હતું. જ્યાં સમગ્ર લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતાં દોડધામ મચી હતી. આ બાબતની જાણ અંબાજી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મરનાર સુરમાભાઇ પરમારનાં મૃતદેહને અંબાજીની જનરલ હોસ્પિટલમાં લાવી તેનાં પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.
હત્યા કરનાર આરોપીઓને સજા કરવાની માંગ
આદીવાસી સમાજનાં અનેક લોકો મહિલાઓ સહીત અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને ફરિયાદ આપતાં મૃતકની માતા અને બહેનોએ પોતાના નિવેદન નોંધાવ્યા હતા અને જણાવ્યું હતું કે ‘આરોપીઓ જમીન પડાવી લેવા સારું અવાર-નવાર ઝઘડાઓ કરતા હતા. જેથી આ હત્યા જમીનની અદાવતમાં કરાઇ હોવાનું જણાવી આરોપીને સજા કરવાની માંગ કરી હતી.’ હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી પકડી પાડવાં શોધખોળ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ મીડીયા સમક્ષ કાંઇ કહેવા ઇન્કાર કર્યો હતો.
હત્યા કરનાર આરોપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.