આદેશ:અંબાજીમાં યાત્રિક સાથે પ્રસાદની ઠગાઈ કરનારા વેપારીની દુકાન ખાલી કરાવાઈ

અંબાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી-ગબ્બર શક્તિપીઠ ખાતે સખ્ત કાર્યવાહીના આદેશ કરાયા

અંબાજીમાં અમદાવાદના યાત્રિક સાથે થયેલ પ્રસાદીની છેતરપિંડી અને પોલીસ કાર્યવાહી બાદ વહિવટી તંત્ર એક્શન મોડમાં આવી જવા પામ્યું છે. જ્યાં ગુરુવારે કથિત છેતરપિંડીની પ્રસાદની દુકાન ખાલી કરાવાઇ દેતા અન્ય કેટલાક છેતરપિંડી આચરતા તત્વોમાં ફફડાટની લાગણી પ્રવર્તી છે.

અંબાજીમાં વર્ષે દહાડે લાખો યાત્રિકો માં અંબાના દર્શનાર્થે ઉભરાય છે. જો કે અનન્ય શ્રદ્ધા સાથે દૂર દૂરના અંતરેથી આવતા માઈ ભક્તો માતાજીના પ્રસાદમાં વિવિધ પ્રસાદ, ચૂંદડીથી માંડી અલંકારો અને યંત્રોમાં છેતરપિંડી અને હાથા પાઈનો ભોગ બનતા હોવાની સમસ્યા ઘર કરી ગઈ હતી. વ્યાપક ફરિયાદોના પગલે કેટલાક લેભાગુ વેપારી તત્વોના કારણે યાત્રાધામ અને અંબાજીના અન્ય સનિષ્ઠ વેપારીઓની પ્રતિષ્ઠા પણ ખરડાતી હતી.

જોકે બે દિવસ પૂર્વે જ અમદાવાદના એક જાગૃત યાત્રિક સાથે થયેલ છેતરપિંડી અને ધાકધમકીના પગલે અંબાજી પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાવા પામ્યો હતો. બનાવને લઇ સેંકડો શ્રદ્ધાળુઓમાં પણ ઘેરા પ્રત્યાઘાતની લાગણી જન્મી હતી. ત્યાર બાદ તંત્ર એક્શન મોડમાં આવી જવા પામ્યું છે અને છેતરપિંડી આચરનાર પ્રસાદ સ્ટોરને ગુરુવારે વહીવટી તંત્ર દ્વારા ખાલી કરી દેવામાં આવ્યો હતો. જેને લઈ અન્ય છેતરપિંડી આચરતા તત્વોમાં ફફડાટની લાગણી જન્મી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીમાં ભવિષ્યમાં યાત્રિકો સાથે દુર્વ્યવહાર ન થાય અને છેતરપિંડીની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે જીલ્લા ઉચ્ચ અધિકારી દ્વારા અંબાજી ગ્રામ પંચાયત સહિત સુરક્ષા તંત્રને પણ અંબાજી સહીત ગબ્બર શક્તિપીઠ ખાતે સખ્ત કાર્યવાહીના પણ આદેશ કરવામાં આવ્યા છે.

ટ્રસ્ટનો પ્રસાદ સ્ટોર ખોલવા માંગ
અંબાજીમાં પ્રસાદ પૂજાપામાં યાત્રિકો બેફામ છેતરપિંડીનો ભોગ બનતા હોવાની ઘટના મંદિર ભંડારમાં એકત્રિત થતી ખોટી ખાખર ગવાહી પુરી રહી છે. ત્યારે ઘટના બાદ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ પ્રસાદ સ્ટોર ખોલવા માઇભક્તોની માંગ ઉઠી છે. એટલું જ નહિ વિવિધ ખરીદી બાબતે યાત્રિકોને જાણકારી મળી રહે તે માટે વિજ્ઞાપન ઉભું કરવા પણ શ્રદ્ધાળુઓનો મત પ્રવર્ત્યો છે.

અન્ય સમાચારો પણ છે...