શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ દુનિયામાં વિખ્યાત છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. મા ના ધામે હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો દરરોજ દર્શનાર્થે આવે છે અને મા ના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. ત્રણ માર્ચથી અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરાયો હતો. ત્યારે માઈભક્તોમાં અને વિવિધ સંગઠનો દ્વારા મોહનથાળ બંધનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે સતત વિરોધ બાદ 12 દિવસ પછી સરકાર અને મંદિરના વહીવટી તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં મોહનથાળ પ્રસાદ ફરીથી ચાલુ કરવાના નિર્ણય આવતા સમગ્ર દેશ દુનિયામાં રહેતા માઈભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહિની કેટરર્સને ફરીથી મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી આપી હતી. ત્યારે પ્રથમ ઓર્ડરમાં 10 ગણો એટલે કે 3250 કિલો મોહનથાળ બનાવવાનો ઓર્ડર પણ ગઈકાલે અપાયો હતો. ત્યારે મોહિની કેટરર્સ દ્વારા મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ત્યારે આજે અંબાજી મંદિરમાં મોહનથાળ રૂ. 25 ના પેકીંગ સાથે પહોંચી ગયો છે. આજથી અંબાજી મંદિરમાં બંને ભેટ કાઉન્ટર ઉપર મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે. ત્યારે ગાદી ઉપર અને મંદિર ભેટ કેન્દ્ર ઉપર બંને જગ્યાએ મોહનથાળ શરૂ કરી દેવાયો છે. આજથી રાબેતા મુજબ મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ કરી દેવાયું છે. અંબાજી આવતા માઇભક્તો બંને કાઉન્ટર ઉપરથી મોહનથાળ પ્રસાદ લઈ શકાશે તેવી વ્યવસ્થા કરાઈ છે. મોહનથાળના કાઉન્ટર ઉપરથી ચીકીનો પ્રસાદને સાઈડમાં કરી દેવાયો છે. ત્યારે ચીક્કી માટે અલગ એક બીજું કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.