અંબાજી ગબ્બર રોપ-વે ખાતે મોકડ્રિલ યોજાઈ:ઊંચે ટોચ પર ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું

અંબાજી21 દિવસ પહેલા
  • વહીવટી અધિકારીઓએ રોપ વે ઓથોરિટીની સુરક્ષા માટેની સતર્કતા અને કામગીરીને બિરદાવી

આગામી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને અનુલક્ષીને અંબાજી ગબ્બર રોપ વે ઓથોરિટી અને વહીવટીતંત્રના સંકલન દ્વારા ગબ્બર તળેટી ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોપ-વેમાં ફસાયેલા યાત્રિકોનું સુરક્ષા ટિમ દ્વારા દિલધડક લાઈવ રેસ્ક્યુ
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા સમયમાં દેશનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો યોજાઈ શક્યો નથી. ત્યારે ચાલુ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ વખતે કરોડોની સંખ્યામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટવાની સંભાવના છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અંબાજી ગબ્બર રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જેમાં રોપ વે માં ફસાયેલા યાત્રિકોનું સુરક્ષા ટિમ દ્વારા દિલધડક લાઈવ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષાની ચકાસણી અને ખાતરી કરવામાં આવી
​​​​​​​
ભાદરવી પૂનમે લાખો કરોડો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પધારતા હોય છે અને ગબ્બર પર્વત પર પણ દર્શનાર્થે જતા હોય છે. ત્યારે માનવ મહેરામણની સલામતી અને સુરક્ષા જરૂરી બની જાય છે. આવા સમયે રોપ વે દ્વારા ગબ્બર પર દર્શન કરવા જતાં યાત્રિકો શ્રદ્ધાળુઓ સાથે કોઈ દુર્ઘટના ઘટે તો ગબ્બર રોપ વે ઓથોરિટી યાત્રિકોની સલામતી માટે ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેમનું રેસ્ક્યુ કરી યાત્રિકોનો જીવ બચાવી શકે છે. તેવા હેતુસર આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ દ્વારા રોપ વેની સાર સંભાળ અને સુરક્ષાના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર મોક ડ્રિલ ગબ્બર રોપ વેના રેસિડેન્ટ મેનેજર નૈનેશ પટેલના માર્ગદર્શન અને ટેક્નિકલ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. રોપ વે ઓથોરિટી દ્વારા યાત્રિકોની સુરક્ષાના ભાગરૂપે અવારનવાર આવી મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષાની ચકાસણી અને ખાતરી કરવામાં આવતી હોય છે.

વહીવટી અધિકારીઓએ રોપ વે ઓથોરિટીની કામગીરીને બિરદાવી
​​​​​​​
મોકડ્રિલના લાઈવ ડેમોસ્ટ્રેશન વખતે ઉપસ્થિત શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે પટેલ અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિતના વહીવટીઅધિકારીઓએ રોપ વે ઓથોરિટીની સુરક્ષા માટેની સતર્કતા અને કામગીરીને બિરદાવી સંતોષ વ્યક્ત કર્યો હતો. મોકડ્રિલ પ્રસંગે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે પટેલ, પ્રાંત અધિકારી સુશીલભાઈ પરમાર, ડિઝાસ્ટર ટિમ, ફાયર ટિમ, ફોરેસ્ટ ટિમ, અંબાજી પી આઈ ડી.બી પટેલ સહિતની પોલીસ ટિમ, મેડિકલ ટિમ, લોકલ કોમ્યુનિટીના માણસો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...