યાત્રાધામ અંબાજીમાં જગતજનની માઁ અંબાનું શક્તિપીઠ દેશ વિદેશમાં વિખ્યાત છે. માઁ જગતજનની અંબાના દર્શન કરવા હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો માઁ ના ધામે અંબાજી આવતા હોય છે. માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ માઇભક્તો અંબાજીથી 3 કિલોમીટરના અંતરાલે આવેલું ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં માઇભક્તો જતા હોય છે અને માઁ અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે.
મેન્ટેનન્સ કામગીરી દરમિયાન રોપ વે સર્વિસ બંધ
ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા ચાલતા જવા માટે 1000 જેટલા પગથિયા ચડીને ગબ્બર પર્વત પર આવેલા ગબ્બર ગોખના દર્શન થાય છે. તો ગબ્બર પર પર્વત પર જવા માટે યાત્રાળુઓની સુવિધા માટે રોપ વે પણ ઉપલબ્ધ છે. મોટી સંખ્યામાં યાત્રાળુ રોપ વેમાં જઈ માઁ અંબાના અખંડ જ્યોતના દર્શન માટે ગબ્બર પર્વત પર જતા હોય છે. મોટી સંખ્યામાં રોપ વેનો ઉપયોગ હોવાના કારણે રોપ વેનો ઘસારો વધી જતો હોય છે. જેથી રોપ વેની વર્ષભરમાં સમયસર સારસંભાળ પણ કરવામાં આવતી હોય છે. સારસંભાળ દરમિયાન રોપ વેની તમામ મશીનરીની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોપ વે સુચારુ રૂપથી ચાલુ રહે અને કોઈપણ મશીનરીમાં ખરાબી ન થાય તે હેતુથી વર્ષ ભરમાં સમયસર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. મેન્ટેનન્સ કામગીરી દરમિયાન થોડા દિવસ માટે રોપ વે સર્વિસ બંધ રહેતું હોય છે.
રોપ વે બંધ હોવા છતા યાત્રાળુઓ દર્શન કરી શકશે
ગબ્બર પર્વત પર આવેલા રોપ વેના મેન્ટેનન્સને લઈ કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે ગબ્બર પર્વત ના રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે. તારીખ 9/1/2023 થી 13/1/2023 સુધી ગબ્બર રોપ વે બંધ રહેશે. તારીખ 14/01/2023થી રોપ વે સર્વિસ રાબેતા મુજબ શરૂ થશે. 5 દિવસ માટે રોપ વેના મેન્ટેનન્સના લીધે રોપ વે સર્વિસ બંધ રાખવામાં આવશે. ત્યારે આ દરમિયાન અંબાજી ગબ્બર પર્વત પર માતાજીના દર્શન શરૂ રહેશે. યાત્રાળુઓ પગથિયા ચડીને માતાજીની અખંડ જ્યોતના દર્શન કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.