માઈભક્તોની સુવિધામાં વધારો:દાંતા-અંબાજી વચ્ચે ફોરલેન રસ્તો તૈયાર; અંબાજી રસ્તા પર ત્રિશૂળિયો ઘાટ પદયાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

અંબાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રૂ.120 કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.

યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી સહુલિયત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામાં આવતા હતા. જે હવે અંબાજીથી ૩ કિલોમીટર પહેલાંના ગેટ પાસે ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે. અંબાજી રસ્તા પર ત્રિશૂળીયા ઘાટ ઉપર બનાવાયેલ સેલ્ફી પોઇન્ટ અને વ્યુ પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બાળકો, યુવાનો અને વડીલો, સોળે કળાએ ખીલેલા લીલાછમ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા હરીયાળીને માણી શકે છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ પણ માણી શકે છે.

બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્રે મેળાને ધ્યાનમાં રાખી ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી બાજુ તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લખનીય છે કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુઓ અંબાજી આવી માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...