માઇ ભક્તોની ધીરજ ખૂટી:ચીકીથી વધુ કમાણી... એટલે પ્રસાદમાંથી મોહનથાળ હટાવ્યો

અંબાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મા અંબાના ભક્તો બોલ્યા, જેલમાં પૂરી દો પણ અમારે ચીકી નહીં જોઈએ
  • માઇ ભક્તોની ધીરજ ખૂટી ગઈ, પ્રસાદનો નિર્ણય તાત્કાલિક બદલવા ભક્તોની માગ
  • મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં થાય તો 48 કલાક પછી આક્રમક દેખાવો કરાશે

તેજસિહ રાઠોડ
દેશનું અગ્રણી શક્તિપીઠ અંબાજી હાલ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના કારણસર ચર્ચામાં છે. મા અંબાનો અતિપ્રિય રાજભોગ પ્રસાદ બંધ કરવાના દેવસ્થાન ટ્રસ્ટના નિર્ણયથી ત્રણ દિવસથી ભક્તો ગુસ્સામાં છેે. ઠેર ઠેર વિરોધ છતાં ભક્તોની લાગણી હળવાશથી લેવાઇ રહી છે. જેલમાં જવું પડે તો જઇશું પણ પ્રસાદ તો મોહનથાળ જ જોઇએ તેવો આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે. સવારના 10 વાગ્યા છે. યાત્રિકોની સંખ્યા બેવડાતાં મંદિરમાં પ્રસાદ ભેટકેન્દ્ર પર એક કાઉન્ટર વધારવું પડ્યું છે. પ્રસાદ લેવા લાઇનમાં ઊભેલા ભાવિકો મોહનથાળનો પ્રસાદ બંધ હોવાનું જાણ્યા બાદ કાં તો લાઇન છોડી રહ્યા છે અથવા તો ચીકીનો પ્રસાદ કચવાતા મને ખરીદી રહ્યા છે.

રાજસ્થાનના સિરોહીથી દર્શન કરવા આવેલા ભવાનીશંકર કાશીરામ પંડ્યા પણ તેમાંના એક છે. જે વર્ષોથી આવે છે, તેમને મોહનથાળના 100 પેકેટ લેવા હતા કહેવાયું ચીકી જ મળશે. આ સાંભળી તેઓ દુઃખી છે. તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ચીકી તો ગામમાં ગલ્લા ઉપર પણ મળે છે. મારે તો મોહનથાળનો પ્રસાદ જ જોઈએ. જેલમાં પૂરવો હોય તો પૂરી દો, પણ મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરો. આવી જ લાગણી રાજકોટથી આવેલા ભક્તોના સમૂહે પણ વ્યક્ત કરી. દેશને ગુજરાતના દરેક શક્તિપીઠો અને યાત્રાધામોમાં પ્રસાદ જૂની પરંપરા મુજબ મળી રહ્યો છે, તો અંબાજી મંદિરમાં જ કેમ મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો? સરકારે નિર્ણય બદલવો જ પડશે. અનેક શ્રદ્ધાળુઓએ પ્રસાદમાં મોહનથાળના બદલે ચીકી અપાતી હોઇ લેવાનું ટાળ્યું હતું.

મોહનથાળનો મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં
મોહનથાળનો મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં છે. કલેક્ટરથી લઇને ગાંધીનગર અને વડાપ્રધાન સુધી રાજકીય વર્તુળો વિરુદ્ધ આક્ષેપો, આશંકા અને નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. અંબાજી ટ્રસ્ટના આંકડા પણ ભક્તોની નારાજગી છતી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, રવિવારે 50 હજાર જેટલા યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યાનો અંદાજ છે. અગાઉ સામાન્ય દિવસોમાં મંદિરમાં 15 હજાર અને રવિવારના રજાના દિવસે મોહનથાળના પ્રસાદના 60 થી 70 હજાર પેકેટનું વિતરણ થતું હતું. જેની સામે આજે રવિવારે 20 હજાર જેટલા ચીકીના પેકેટનું વેચાણ થયું છે.

અંબાજીમાં પરંપરા મુજબ મળતો મોહનથાળ પ્રસાદ બંધ કરાયો
પાલનપુરના મોરિયાના યુવાને પીએમને પત્ર લખ્યો, મોહનથાળ શરૂ કરાવોઃ પાલનપુરના મોરિયા ગામના યુવાન રાહુલ લિંબાચિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લાગણી વ્યક્ત કરી છે કે, અંબાજીમાં વર્ષો જૂની પરંપરા મુજબ મળતો મોહનથાળ પ્રસાદ બંધ કરાયો છે. મોહનથાળ મહાપ્રસાદ છે અને તેનો મહિમા છે, તો મોહનથાળનો પ્રસાદ તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે.

ગબ્બર શક્તિપીઠની 51 શક્તિને પણ રેવડી અને સીંગનો ભોગ
ગબ્બર શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર પ્રાણ પ્રતિષ્ઠિત કરેલ 51 શક્તિ પણ કે જ્યાં નિત્ય મોહનથાળનો રાજભોગ ચડતો હતો. ત્યાં બે દિવસથી માતાજીને રેવડી અને સીંગનો ભોગ ધરાવાઇ રહ્યો છે. ભક્તોએ ભારે રોષ ઠાલવતાં જણાવ્યું કે, રાજકીય સત્તા તો બે પાંચ વર્ષની હોય, પરંતુ મા શક્તિ તો અજરાઅમર છે તે કોઈ મોટા ભૂપને પણ છોડતી નથી.

અંબાજી આગેવાનોની બેઠકમાં હોળી-ધુળેટી બાદ જલદ કાર્યક્રમનો નિર્ણય
પ્રસાદ અંગે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે કરાયેલ ખિલવાડ સમા નિર્ણય સામે લડી લેવાના નિર્ધાર સાથે રવિવારે સાંજે અંબાજીના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં હોળી-ધુળેટીના તહેવારોમાં માના દર્શને આવતા યાત્રિકોને કોઇ તકલીફ ન પડે તે માટે બે દિવસ બાદ જલદ કાર્યક્રમ કરવાનો નિર્ણય કરાયો હતો. કોંગ્રેસ સોમવારે વિશાળ રેલી કાઢી આવેદન પત્ર આપનાર છે.

છેલ્લા 3 દિવસમાં ચીકી વેચાણ

3 માર્ચ 3045 પેકેટ 4 માર્ચ 14606 પેકેટ 5 માર્ચ 19754 પેકેટ

નફાની ‘લાલચ’ છોડો, મોહનથાળ ફરી શરૂ કરો

શક્તિપીઠ અંબાજીમાં મંદિર ટ્રસ્ટે પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને તેના બદલે ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય કર્યો. તેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ભક્તોએ સ્પષ્ટ કહ્યું છે કે, મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવો જ પડશે. કોઈ પણ સંજોગોમાં અમે અમારી આસ્થા અને વિશ્વાસ પર પ્રહાર સહન નહીં કરીએ. હવે સવાલ એ છે કે, લાખો ભક્તોની આસ્થા સામે રમત કરવાનો હક મંદિર સંચાલકોને કોણે આપ્યો? માના મુખમાંથી તેમનો પ્રિય પ્રસાદ છીનવવાનો નિર્ણય આખરે કયા આધારે લેવાયો? શું હવે મંદિર સંચાલન નક્કી કરશે કે, મા અંબાને કયો પ્રસાદ અર્પણ કરાય? મોહનથાળનો પ્રસાદ બંધ કરીને અને તેના બદલે ચીકી વહેંચવાનો નિર્ણય કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

ભક્તો આ પ્રસાદબંધીથી નારાજ થયા

મોહનથાળનો પ્રસાદ બંધ કરવા પાછળ મંદિર સંચાલકોનો તર્ક પણ વિચિત્ર છે. તેમનું કહેવું છે કે, આ પ્રસાદ ઝડપથી બગડી જાય છે, જ્યારે ચીકી મહિનાઓ સુધી નહીં બગડે. આ તર્ક આપતા પહેલા મંદિર સંચાલન એ કેમ ભૂલી ગયું કે, મોહનથાળનો પ્રસાદ વર્ષોથી મા અને ભક્તોને વહેંચાતો રહ્યો છે. હકીકતમાં મંદિર સંચાલનની ચિંતા પ્રસાદ ખરાબ થાય તે નથી. તેમની ચિંતા નફાની છે. અંબાજીમાં વર્ષોથી મોહનથાળનો પ્રસાદ વહેંચાય છે, પરંતુ છ-સાત મહિનાથી અહીં ચીકી પણ વેચાવા લાગી. મા અંબાના લાખો ભક્તો આ પ્રસાદબંધીથી નારાજ છે. તેમનો સવાલ છે કે, આ મુદ્દે સરકાર તાત્કાલિક દખલ કેમ નથી કરતી? શું તેઓ પણ આ નિર્ણયમાં સામેલ છે?

પ્રસાદના નામે કમાણીનો ખેલ

મોહનથાળનું નાનું પેકેટ રૂ. 18માં મળે છે. અંબાજીમાં આશરે રૂ. વીસ કરોડનો મોહનથાળનો પ્રસાદ વેચાય છે. હવે ત્યાં ચીકી વેચવાનું શરૂ થયું છે. એક ચીકીનું પેકેટ રૂ. 25માં વેચાય છે. એક પેકેટમાં ચાર ચીકી હોય છે, જેનું બજાર મૂલ્ય રૂ. સાત-આઠ છે. ચીકીથી કમાણી વધુ થાય છે અને મોહનથાળનો પ્રસાદ હોય તો આ કમાણી વધી ના શકે.

અન્ય સમાચારો પણ છે...