અંબાજી મંદિરમાં 15 દિવસના અંતે માતાજીનો મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ થયું છે. જેને લઇ માં અંબાના દર્શનાર્થે આવેલા ભક્તો મોહનથાળનો પ્રસાદ હાથમાં આવતા જ જાણે માતાજીનો સાક્ષાત્કાર થતો હોવાનો ભાવ પ્રગટ કરતા જોવા મળ્યા હતા. સાંજ સુધીમાં તો મોહનથાળના 11985 પેકેટની સામે માત્ર 1305 પેકેટ ચીકીનું વેંચાણ થવા પામ્યું હતું.
યાત્રાધામ અંબાજીમાં શુક્રવારથી પુન: મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં ભાવિક ભક્તો ભાવ વિભોર બન્યા હતા.શુક્રવારે ચાલુ દિવસ હોવાને લઈ સાંજ સુધીમાં માડ પાંચથી છ હજાર યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યાં સાંજ સુધીમાં મોહનથાળના 11985 પેકેટ સામે માત્ર 1305 પેકેટ ચીકીનું વિતરણ થયું હતું.
ભટ્ટજી મહારાજે જણાવ્યું હતુ કે ભક્તોની પ્રસાદ માટે એવી તાલાવેલી જોવા મળી કે જાણે હવે પ્રસાદ મળવાનો જ ન હોય, એમ મોટી માત્રામાં યાત્રિકોએ મોહનથાળનો પ્રસાદ ખરીધ્યો હતો. જો કે પ્રસાદ ભેટ કાઉન્ટરો પર એક તરફ મોહનથાળ અને ચીકી ખરીદવા અંગેની કુપન મેળવવાના કાઉન્ટર, બીજી તરફ મોહનથાળ અને ચીકી મેળવવાના કાઉન્ટર પર ક્યાંય ચીકી અને મોહનથાળના પ્રસાદની જાણકારી માટેના કોઈ જ બોર્ડ જોવા મળ્યા ન હતા.
જેને લીધે ભીડ જોતાં જ અજાણ્યા ભક્તો ચીકીની કુપન મેળવી મોહનથાળનો પ્રસાદ મેળવવા જતા ચીકી મળ્યાનો નિઃશાશો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જોકે મોહનથાળનો પ્રસાદ ચાલુ થવાને લઇ મંદિર કર્મચારીઓ પણ યાત્રિકોના રોષનો ભોગ બનતા બચવાને કારણે ખુશી વ્યક્ત કરી હતી.
દિવ્ય ભાસ્કરના માધ્યમથી જ જાણવા મળ્યું કે માતાજીનો મોહનથાળનો પ્રસાદ મળશે :ભક્ત
બરોડાથી માના દર્શનાર્થે આવેલા રાજેન્દ્રપ્રસાદ કે.પંચાલે જણાવ્યું કે દિવ્ય ભાસ્કરના માધ્યમથી જ જાણવા મળ્યું કે આજથી માતાજીનો પ્રસાદ મોહનથાળ મળશે. જેથી સવારે માતાજીમાં દર્શન કરી પહેલા પ્રસાદ ખરીદ્યો.પરિવાર અને પાડોશીઓ માટે પણ પ્રસાદ મળતાં આનંદની અનુભૂતિ થઇ.
ચાચરચોકમાં જ પ્રસાદ ગ્રહણ કર્યો
અમદાવાદથી પોતાની પત્ની અને પુત્ર સાથે દર્શનાર્થે આવેલા અમિતભાઈ અડવાણીએ જણાવ્યું હતું કે ‘અંબાજી માતાજીનો પ્રસાદ મોહનથાળનો આવો સ્વાદ દુનિયામાં ફરો તો પણ આવો નથી મળતો તે પણ માતાજીનો જ ચમત્કાર છે.
હાલ મૌખિક ઓર્ડર મુજબ જ પ્રસાદ બનાવાય છે
જ્યાં પ્રસાદ બનાવટની કામગીરી કરતી મોહિની કેટરસના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મંદિરનું નવું ટેન્ડર ખુલ્યા બાદ હજુ સુધી એજન્સીને નવો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. હાલ મૌખિક ઓર્ડર મુજબ જ પ્રસાદ બનાવાઈ રહ્યો છે. જેમાં જૂના ભાવ મુજબ 21:48 પૈસા મુજબ 100 ગ્રામ પ્રસાદનું પેકેટ મંદિરને પૂરું પાડવામાં અાવે છે. જે મંદિર ટ્રસ્ટ દ્વારા 25 રૂપિયે વિતરણ થાય છે. જ્યારે નવા ભાવ મુજબ ઘી વગેરેના ભાવ વધવાને કારણે 24:49 પૈસા મુજબ પૂરા પાડવામાં આવશે તે જોતાં આગામી સમયમાં પ્રસાદના પેકેટનો ભાવ વધવાની પણ શક્યતા જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.