અંબાજી ખાતે મોહનથાળના ભોગ-પ્રસાદને બંધ કરવાની હિલચાલને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં સ્થાનિક લોકો આ મોહનથાળનો ભોગ-પ્રસાદ બંધ કરવાની વાતને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે વર્ષોથી પરંપરા ચાલી આવે છે, મોહનથાળનો પ્રસાદ વર્ષોથી અંબાજી ખાતે આવનારા લાખો લોકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની જે વાત છે એ યોગ્ય નથી...
ભૂદેવો સહિત લોકોમાં વિરોધ
મોહનથાળનો જ ભોગ-પ્રસાદ જ રાખવો જોઈએ એવી અંબાજીના ભૂદેવ પણ માગ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સતત આ વિવાદ ચાલી રહ્યો છે. મહાપ્રસાદ મોહનથાળને લઈને લોકોની માગ છે કે મોહનથાળનો પ્રસાદ જ આપવામાં આવે. એને લઈને જે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની જે હિલચાલ ચાલી રહી છે એની સામે અંબાજીના ભૂદેવો સહિત લોકો પણ વિરોધ કરી રહ્યા છે.
દૂર દૂરથી આવતા ભક્તો નારાજ
અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની વાતને લઈને દૂર દૂરથી આવતા ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. અંબાજી ખાતે દર્શન માટે આવી રહેલા ભક્તો પણ આ મોહનથાળનો પ્રસાદ બંધ ન થાય એવી પણ અપીલ કરી રહ્યા છે, કેમ કે લાખો ભક્તો પ્રસાદ ઘરે પણ લઈ જતા હોય છે. આ પ્રસાદને બંધ કરવાની જે હિલચાલને કારણે દૂર દૂરથી આવતા ભક્તો પણ નારાજ જોવા મળ્યા હતા.
ગાદી પર પ્રસાદનો આજે ચાલે એટલો જ સ્ટોક
ત્યારે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની ગાદી પર પણ મોહનથાળનો પ્રસાદ આજે જ ચાલે એટલો સ્ટોક વધ્યો છે. રજવાડા વખતથી મોહનથાળનો ભોગ મા અંબાને ધરાવાય છે. જોકે પહેલાં અંબાજી મંદિરનો સ્ટાફ મોહનથાળનો ભો બનાવાતો હતો અને માત્ર એના પેકિંગનો કોન્ટ્રેક્ટ આપતા હતા. છેલ્લે 2014માં ટેન્ડર વગર પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ આપી દેવાયો હતો. ટેન્ડર વગર પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ આપી દેતાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો અને સ્ટે આવ્યો હતો. જોકે 2018માં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ ટેન્ડરથી મોહિની કેટરર્સને અપાયો હતો.
સોશિયલ મીડિયામાં ટ્રસ્ટ-સરકાર વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ
ત્યા બીજી બાજુ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કરતાં હિન્દુ સંગઠનોએ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. મોહનથાળના પ્રસાદ સાથે જોડાયેલા 100થી વધુ શ્રમિકો બેકાર થયા છે. સોશિયલ મીડિયામાં પણ મંદિર ટ્રસ્ટ અને સરકાર વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ ચાલી રહી છે.
મોહનથાળનું પ્રસાદ બંધ કરાવતાં વિવાદ વધ્યો
આ બાબતે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવતાં કહ્યું હતું કે દેશવિદેશમાં લોકોની સૂકા પ્રસાદની માગણી છે એટલે હવેથી ચીકીનો પ્રસાદ અપાશે. ત્યારે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, હું પ્રસાદને લઈ વિધાનસભામા પ્રશ્ન કરીશ. જોકે 500 વર્ષથી અંબાજી મંદિરમાં ચાલતો મોહનથાળનું પ્રસાદ બંધ કરાવતાં વિવાદ વધ્યો છે. પાલનપુર વકીલમંડળ પણ પ્રસાદ બંધ થવાના મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન કરી શકે છે. આ નિર્ણયથી રેગ્યુલર 150 શ્રમિક અને ભાદરવી દરમિયાન 1500 જેટલા શ્રમિકો બેકાર થશે.
પ્રસાદ વિશે... એ બધું જે તમે જાણવા માગો છો: રાણા પ્રથમવાર ગબ્બર પર દર્શેને ગયા ત્યારે પ્રસાદરૂપે શેકેલો ચણાનો લોટ, ગાયનું ઘી, ગોળ અને શેરડી લઇને ગયા હતા
અંબાજીમાં નિત્ય પૂનમ અને ભાદરવી પૂનમે પદયાત્રામાં મા અંબાના દર્શનાર્થે આવતાં અમદાવાદના મિલન દવેએ જણાવ્યું કે, મારા દાદા પણ માતાજીના દર્શનાર્થે આવતા હતા. દાંતાના રાજવી મહારાણા ભવાનીસિંહજી માતાજીના પરમ ઉપાસક હતા. તેઓ માતાજીની ટેક રાખતા હતા. 52 શક્તિપીઠો પૈકી અંબાજી પીઠ ખૂબ જ મહત્વનું ગણાય છે. રાણા જ્યારે પ્રથમ ગબ્બર પર માતાજીના દર્શેને ગયા ત્યારે સાથે કઈક પ્રસાદ લઈ જવો પડે તે માટે સોનાના પાત્રમાં શેકેલો ચણાનો લોટ, ગાયનું ઘી, ગોળ અને શેરડી લઇને ગયા હતા.
ગાયનું ઘી એટલે તેત્રીસ કરોડ દેવતાની નિશાની, જ્યારે શેરડી એ શિવનું પ્રતીક. એમ શિવ અને શક્તિનું પ્રતીક મોહનથાળ ગણાય છે. માતાજીના મંદિરમાં ભૈરવજીને પણ મોહનથાળ ધરાવાય છે, ત્યારે ભવાનીસિંહજીએ માતાજીને પ્રથમ રાજભોગ મોહનથાળ ધરાવ્યો હતો. જોકે, મોહનથાળ રાજભોગનો પ્રસાદ કેટલા સમય પૂર્વેથી ધરાવાય છે તે તો કોઈના સમજણ અને ગણિત બહારની વસ્તુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.