'અંબાજી દુર હૈ.... જાના જરૂર હૈ':અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તો; ગબ્બરના ડુંગરાઓમાં ભક્તિરસની રમઝટ

અંબાજી19 દિવસ પહેલા
  • દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ

દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો 'બોલ મારી અંબે.. જય જય અંબે'ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા-ઝુમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ઘણા ભાવિકો ભક્તિભાવથી મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવે છે. દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે.

દર્શનની વિશેષ વ્યવસ્થા
ભાદરવી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી ઉમટી રહ્યા છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન થાય તે માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. સંઘમાં આવતા લોકો માટે અલાયદી રેલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. દંડવત પ્રમાણ, દિવ્યાંગો, વ્હીલચેરવાળા, સિનિયર સીટીઝન્સ તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઇનમાંથી સીધા લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓની લાઇનમાં પીવાના પાણીની તથા લીંબુ શરબતની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

અંબાજી તીર્થસ્થાન પ્રાચીન સમયથી...
આદ્યશક્તિ મા અંબાનું તીર્થસ્થાન અંબાજી બહુ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે. સીતાજીને શોધતા ભગવાન રામ અને લક્ષ્મણ અંબાજી નજીક આવેલા અર્બુદાચલના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ત્યારે ઋષિએ તેઓને ગબ્બર મુકામે માતાજીના દર્શનાર્થે મોકલ્યા હતા. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીએ ભક્તિભાવપૂર્વક મા ની પૂજા-અર્ચના કરી હતી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો નાશ કરવા ભગવાન રામને અજયબાણ આપ્યુ હતુ અને એજ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. ભગવાન શ્રી કૃષ્ણનું ચૌલકર્મ અંબાજીના સ્થાનકે થયાનો પુરાણોમાં ઉલ્લેખ છે. ૫૧ શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી શક્તિપીઠનો મહિમા અજોડ અને ભવ્ય છે. માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપરનું સ્થાનક મનાય છે. અંબાજી મુકામે યાત્રિકોની સુવિધા માટે નોંધપાત્ર વિકાસકામો કરવામાં આવતાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વરસે ૧.૨૫ કરોડથી વધુ દર્શનાર્થીઓ અંબાજી આવે છે.

અન્ય સમાચારો પણ છે...