અંબાજી મહાકુંભ:ડી. કે. ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધી વાહનો માટે પાબંધી

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાજીમાં ભાદરવી પૂનમિયા સંઘ અને વહીવટી તંત્રની એક બેઠક યોજાઈ

અંબાજી ખાતે ભરાનાર ભાદરવી મહા મેળાને લઈ રવિવારે અંબાજી ખાતે ભાદરવી પુનમીયા સંઘ અને વહિવટી તંત્રની એક બેઠક મળી હતી. 5 થી 10 સપ્ટેમ્બરના યોજાનાર અંબાજી ભાદરવી મહાકુંભ બે વર્ષ બાદ યોજાઈ રહ્યો છે. જેને લઈ પાંત્રીસ લાખથી પણ વધુ યાત્રિકો માં અંબાના દર્શનાર્થે આવવાની તંત્રની ધારણાને લઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. માં અંબાના દર્શનાર્થે આવતા માઇ ભક્તોની સુવિધા અને સુરક્ષામાં કોઇ કચાસ ન રહી જાય તે માટે વહિવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

જેનાભાગ રૂપે રવિવારે અંબાજી ખાતે 1400 થી પણ વધુ પદયાત્રી સંઘો રજીસ્ટર થયેલા છે તેવા ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ અને વહિવટી તંત્રની એક બેઠક મળી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મેળા દરમિયાન અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરવાનું જણાવતા મેળા દરમિયાન વિવિધ સાવચેતી રાખવા અંગે પણ વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

પદ યાત્રિકોને કોઇ ખલેલ ન પડે તે માટે અંબાજી ડી.કે.ત્રિવેદી સર્કલથી માંડી ગબ્બર સર્કલ સુધીનો વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવશે. કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલએ એક જ વર્ષમાં અંબાજીના વિકાસના આયોજનની રૂપરેખા પ્રસ્તુત કરતા મેળા દરમિયાન યાત્રિકોને ઓન લાઈન પાસ વ્યવસ્થા, દર્શનાર્થીઓની સુવિધાને લઈ દર્શનના સમયમાં પણ વહેલી સવારના પાંચ વાગ્યાથી સાંજના સાડા ચાર વાગ્યાનો વધારો કરાયો હોવાનું જણાવ્યું હતું. ઋષિકેશ પટેલએ ‘પદયાત્રી સંઘોને ઘરેથી પ્રસ્થાન કરતા પૂર્વે એક વૃક્ષ વાવવાનો અનુરોધ કર્યો હતો. એ સાથે અંબાજીને સરકાર દ્વારા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનું જણાવ્યું હતું.’

આરોગ્ય મંત્રીએ દાંતા રેફરલની મુલાકાત લીધી
અંબાજી ભાદરવી પુનમીયા સંઘની બેઠકમાં આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ દાંતાના જાગૃત આગેવાનની રજૂઆતને ધ્યાને લઈ રવિવારે બપોરે દાંતા રેફરલની મુલાકાત લીધી હતી. ભયજનક અને જર્જરિત બનેલી રેફરલની સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી અને ઘટતી કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...