જિલ્લા વહીવટી તંત્ર સજ્જ:અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાશે, વ્યવસ્થા જાળવવા 28 જેટલી સમિતિઓની રચના કરાઇ

અંબાજી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 5 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર મેળાની તૈયારીઓ અંગે કલેકટરે માહિતી આપી
  • વહેલી સવારે 5 વાગ્યાથી આરતીનો લાભ લઇ શકાશે

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો વૈશ્વિક મહામારી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. 5થી 10 સપ્ટેમ્બર-2022 દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આનંદ અને ઉત્સાહથી મેળો યોજવા સજ્જ બન્યું છે. તેમ પાલનપુર કલેકટર કચેરી ખાતે રમત- ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા યાત્રાધામના વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને મેળાના આયોજન અંગે યોજાયેલ સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું હતુ. તેમણે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની સમીક્ષા કરી મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને શુભકામનાઓ પાઠવી હતી.

અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાશે
મીની મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ અંબાજી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે.

અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે
મેળા દરમ્યાન વહેલી સવારે 5 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમ્યાન સતત સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સમિતિ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને સલામતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિ સહિત જુદી જુદી કુલ- 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.​​​​​​​ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...