માં અંબાના ધામનો અદભૂત નજારો:અંબાજી મંદિરના ચાચર ચોક રોશનીથી પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ

અંબાજી25 દિવસ પહેલા

શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિનિકુંભનો માહોલ સર્જાયો છે. ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે વર્ષ બાદ યોજાઈ રહેલા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે. તો માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માંના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે છે. માંના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિદ્વારથી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે.

‌રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, પૂનમનો પમરાટ, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે. કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માંના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે. જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ રહી છે અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે.

અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે, ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે. જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતાને રોમાંચકતાનો અનુભવ કરી મંદિર પરિસરમાં કરવામાં આવેલી ઝગમગતી વ્યવસ્થા બદલ વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...