પ્રજા ત્રસ્ત:ગંદકી મુદ્દે અંબાજી ગ્રામ પંચાયતને તાળાબંધીની પૂર્વ સદ્દસ્યની ચીમકી

અંબાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારાવાર ગંદકી, તૂટેલા રોડ, રસ્તા અને ચોકઅપ થયેલી ગટરોથી પ્રજા ત્રસ્ત

અંબાજીમાં પાણી, સફાઈ, રોડ રસ્તા અને ગટરોની બાબતે પ્રજા ત્રાહિમામ્ થવા પામી છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં અંબાજી પંચાયતના પૂર્વ સદસ્ય દેવેન્દ્રભાઈ વ્યાસએ ગ્રામ પંચાયતને તાળા બંધી કરવાની લેખિત ચીમકી ઉચ્ચારી છે. અંબાજીમાં આગામી સપ્ટેમ્બર માસની શરૂઆતે ભાદરવી મહામેળો યોજાશે. જ્યાં લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી દર્શનાર્થે આવશે. ત્યારે અંબાજી ધામ અત્યારથી જ નર્કાગાર જેવું પરિવર્તિત થવા પામ્યું છે.

ઠેર ઠેર જાહેર માર્ગો સહીત શેરી મહોલ્લામાં પારાવાર ગંદકી, તૂટેલા રોડ, રસ્તા અને પાણી સહીત ચોકઅપ થયેલી ગટરોને કારણે માર્ગો પર વરસાદી પાણી સાથે ઉભરાતી ગટરોને લઈ પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહિ મહામારી ફેલાવાની પણ દહેશત પ્રવર્તી છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો છતાં કોઈજ કાર્યવાહી ન થતાં પ્રજામાં રોષ અને અસંતોષની લાગણી જન્મી છે.

જેને લઈ અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય દેવેન્દ્રભાઈ વ્યાસએ અંબાજી ગ્રામ પંચાયત સત્તાધીશોને લેખિત રજૂઆત કરી છે. દિન સાતમાં કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની લેખિત ચીમકી ઉચ્ચારી છે. પંચાયત સેક્રેટરી જે.ડી.રાવલનો સંપર્ક કરતા તે પાલનપુર મિટિંગમાં હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...