ભક્તોની શ્રદ્ધા અકબંધ:કોરોનાના 2 વર્ષ બાદ અંબાજીમાં દાનનો કળશ છલકાયો, ભાદરવી મહાકુંભના 5 દિવસમાં 4.41 કરોડ રૂપિયા દાન મળ્યું

અંબાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શુક્રવારે 5મા દિવસે સાંજ સુધીમાં 3.63 લાખ માઇભક્તોએ મા અંબાનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી - Divya Bhaskar
શુક્રવારે 5મા દિવસે સાંજ સુધીમાં 3.63 લાખ માઇભક્તોએ મા અંબાનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
 • વર્ષ 2019માં 16.34 લાખની સામે આ વર્ષે 20.11 લાખ યાત્રિકોએ દર્શન કર્યા
 • 2019માં ‌રૂ. 3.67 કરોડની તુલનાએ આ વર્ષે રૂ. 4.41 કરોડ દાન આવ્યું
 • ​​​​​​​ભાદરવાના ધોમધખતા 39 ડિગ્રી આકરા તાપમાં પણ ભક્તોની શ્રદ્ધા અકબંધ

યાત્રાધામ અંબાજીમાં ભરાયેલો ભાદરવી પૂનમનો મહામેળો શુક્રવારે ચરમ સીમાએ પહોંચ્યો. ધોમધખતા ભાદરવા ના 39 ડિગ્રી આકરા તાપમાં પણ દૂર દૂરથી પગપાળા સંઘો લઇને આવતાં ભક્તોની શ્રદ્ધામાં તસુભાર પણ ઓટ ના દેખાઇ. શુક્રવારે 5મા દિવસે સાંજ સુધીમાં 3.63 લાખ માઇભક્તોએ મા અંબાનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. શનિવારે પૂનમ હોઇ શ્રદ્ધાળુઓથી માનું ધામ છલકાઇ ઉઠશે.

આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો
ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીને લઇ વર્ષ 2020 અને 2021માં ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો હોઇ આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો, તો સાથે દાનની આવકથી ભંડારો પણ છલકાયો. ટેમ્પલ ટ્રસ્ટના આંકડા મુજબ, વર્ષ 2019માં 7 દિવસનો મેળો ભરાયો હતો.

5 દિવસમાં 20,11,612 યાત્રિકોએ દર્શન કર્યા
જેમાં ચૌદસ સુધી એટલે કે 6 દિવસમાં 16,34,891 લોકોએ દર્શન કર્યાં હતાં અને રૂ.3,67,36,772 દાનરૂપે આવક થઇ હતી. જેની સરખામણીમાં આ વર્ષે મેળાના 5 દિવસમાં 20,11,612 યાત્રિકોએ દર્શન કર્યા અને રૂ.4,41,71,173નું દાન મળ્યું છે. એટલે કે, યાત્રિકોની સાથે દાનનો પ્રવાહ પણ વધ્યો છે.

અંબાજીથી 25 કિમી સુધી શ્રદ્ધાળુઓનો છુટોછવાયો પ્રવાહ
અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા અને સુચારુ આયોજન વચ્ચે શરૂ થયેલા ભાદરવી મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓની શક્તિની ઉપાસના થકી આરાસુરની ગિરિકંદરાઓ ગૂંજી ઊઠી છે દૂરદૂરના અંતરેથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ અંબાજીમાં ઠલવાઇ ચૂક્યો છે. અસ્ખલિત વહેતાં ઝરણાંની જેમ આગઇ વધતાં ભક્તોનો મોટો જથ્થો પૂનમના એક દિવસ પૂર્વે શુક્રવારે યાત્રાધામમાં આવી પહોંચ્યો છે. સાંજે અંબાજીથી 25 કિમીના અંતરે શ્રદ્ધાળુઓનો છુટોછવાયો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

માઈભક્તોએ માનાં ચરણમાં માથું ટેકવી ધન્યતા અનુભવી
માર્ગો પર શ્રદ્ધાળુઓ જેમ અંબાજી તરફ આગળ વધતાં ગયાં તેમ તેમ પાછળના સેવાકેમ્પો આટોપાઈ રહ્યા છે. એસટી તંત્રની પરિવહન વ્યવસ્થાને લઇ શ્રદ્ધાળુઓ મા અંબાનાં ચરણ પખાળી વતનની વાટ પકડી લેતાં સાંજે ધામમાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે પૂર્ણિમાને લઇ નિત્ય પૂનમિયા દર્શનાર્થીઓથી અંબાજી ધામ ઉભરાશે. મેળાના પાંચમા દિવસે શુક્રવારે 3,63,102 માઈભક્તોએ માનાં ચરણમાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.

શ્રદ્ધામાં પણ દેશભક્તિ...
અમદાવાદ વાસણાના પદયાત્રીઓ તિરંગાની ધજા સાથે શુક્રવારે અંબાજી ધામમાં પ્રવેશતાં જ જાણે મા અંબાની ભક્તિ સાથે દેશપ્રેમ છલકાતો જોવા મળ્યો હતો. રાજકોટના રજવાડી સંઘ પદયાત્રાના 21 વર્ષ પૂર્ણ કર્યા. શુક્રવારે ચાચર ચોકમાં ટ્રેડિશનલ ડ્રેસ પરિધાન કરી ગરબાની રમઝટ સાથે માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું.

ભાદરવી પૂનમના મેળામાં દાનનો પ્રવાહ
દિવસવર્ષ 2019વર્ષ 2022
પ્રથમ61,20,82683,70,886
બીજો81,70,9001,00,56,092
ત્રીજો64,94,85998,75,614
ચોથો65,91,76898,59,223
પાંચમો47,98,22360,09,358
છઠ્ઠો45,60,1960
કુલ3,67,36,7724,41,71,173

5મો દિવસ : 60 લાખ દાન આવ્યું

 • 3,63,102- યાત્રિકોએ દર્શન કર્યા
 • ​​​​​​​1,76,500- પ્રસાદ પેકેટ વિતરણ
 • 60,09,358 - રૂપિયા ભંડાર સહિત આવક
 • 92,624 - SMSથી લોકોને માહિતી અપાઇ
 • ​​​​​​​57,632 - શ્રદ્ધાળુએ એસટી બસમાં મુસાફરી કરી
 • 34,380 - માઇભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો
 • ​​​​​​​28,478- દર્દીને મેળા દરમિયાન સારવાર અપાઇ
 • ​​​​​​​5638 - શ્રદ્ધાળુઓ ઉડન ખટોલામાં બેઠા
 • 3520 - ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું
 • ​​​​​​​1057 - યાત્રિકો માટે એસટી બસોની ટ્રીપ દોડાવાઇ
 • ​​​​​​​365 - ધ્વજાઓ મા અંબાના મંદિરના શિખરે ચડાવાઇ
 • ​​​​​​​312 - લોકોએ વિનામૂલ્યે બસની મુસાફરી કરી
 • 15 - ગ્રામ સોનાની આવક થઇ મંદિરમાં​​​​​​​​​​​​
અન્ય સમાચારો પણ છે...