બાળકની માં અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા:દાંતાના પેથાપુર ગામનો બાળભક્ત 22 કિ.મી.ની પદયાત્રા કરી અંબાજી પહોંચ્યો, માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરી

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શક્તિપીઠ અંબાજીમાં માં અંબેનું હૃદય બિરાજમાન છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તો પદયાત્રા કરી માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. મહિલાઓ, યુવાનો, વડીલોથી લઇને નાના બાળકો પણ મેળા પ્રસંગે ચાલતા અંબાજી આવીને માતાજીના દર્શન કરે છે. આવો જ એક બાળભક્ત દર વર્ષે અંબાજી મેળામાં ચાલતા અંબાજી આવીને માતાજીના દર્શન કરે છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પેથાપુર ગામનો 6 વર્ષની નાની ઉંમરનો બાળભક્ત પ્રિયાંશ આશિષકુમાર રાવલ પોતાના ગામથી 22 કિ.મી.ની પદયાત્રા કરી અંબાજી આવીને માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરી છે. પ્રિયાંશ અને તેમના માતા હેતલબેન રાવલે તા.8 સપ્ટેમ્બર-2022ના રોજ પદયાત્રા શરૂ કરી હતી. આ નાના બાળભક્તે પોતાના ઘરે સ્વ. દાદા કનુભાઈ રાવલ દ્વારા સાચવેલી ધજા જોઈને દાદી વિમળાબા સમક્ષ અંબાજી પદયાત્રા કરી અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવવાની જીદ કરી હતી.

માતાએ બાળકની ધાર્મિક શ્રધ્ધાથી પ્રેરીત થઇ જ્યાં સુધી બાળક ચાલી શકે ત્યાં સુધી પદયાત્રા કરવાની શરૂઆત કરી. બાળભક્ત અને તેની માતા અંબાજી સુધી પદયાત્રા કરી માતાજીના શિખરે ધજા આરોહણ કર્યું હતું. બાળભક્ત પ્રિયાંશની આટલી નાની વયે 22 કિ.મી.ની પદયાત્રા અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની રહી છે. પ્રિયાંશના માતા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય, મોટાસડા તા. દાંતામાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. નાનો બાળભક્ત પ્રિયાંશ પેથાપુર પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરે છે.

આજના આધુનિક સમયમાં શહેરી વિસ્તારના બાળકો મોબાઇલમાં ગેમ રમીને આંખોને પણ નુકશાન પહોંચાડે છે. તથા બેઠાડું જીવન જીવવાના કારણે મેદસ્વીતા સહિત અનેક રોગોનો ભોગ પણ બને છે, ત્યારે પ્રિયાંશ જેવી માતાજીની ભક્તિની સાથે શારીરિક તંદુરસ્તીનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

અન્ય સમાચારો પણ છે...