મોહિની દીદીનો 99મો જન્મોત્સવ કાર્યક્રમ:આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે સમારોહ યોજાયો; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ

અંબાજી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે રાજયોગિની દાદી રતનમોહિનીજીના 99માં જન્મોત્સવ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ રહી કેક કાપી, દિપ પ્રાગટ્ય કરી રાજસ્થાનની ધરતી પરથી નશામુક્ત ભારત-2023નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી 28 રાજયો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં નશામુક્તિ અભિયાનના પ્રદર્શનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયોગિની દાદી રતનમોહિનીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, આપ સ્વસ્થ રહી સૌનું આધ્યાત્મિક માર્ગદર્શન કરતા રહો એવી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના કરુ છું. તેમણે કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. એ કાર્યમંત્રથી સરકાર સમાજ સેવાનું કાર્ય કરે છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા પણ આધ્યાત્મિક માર્ગદર્શન, પર્યાવરણ સુરક્ષા અને સમાજ સેવાનું કામ કરે છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રયાસોની સરાહના કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયોગિની દાદી રતનમોહિનીજીના જન્મદિવસને સમાજ સેવાના અભિયાન સાથે મનાવવામાં આવી રહ્યો છે એ સોનામાં સુંગધ સમાન છે. આધ્યાત્મિક જીવનની મહાન જીવનયાત્રામાં દાદીજીએ પરમાત્મા, પ્રેમ અને વિશ્વ સેવામાં સ્વયંને સંપૂર્ણ સમર્પિત કર્યુ છે. વિશ્વભરના અનેક આત્માઓના જીવનમાં ઇશ્વરીય જ્ઞાન પ્રકાશિત કરી તેમને હીરા સમાન બનાવ્યા છે. દાદીજીએ ઇશ્વરીય શિક્ષાઓનો પ્રસાર કરી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સાકાર રૂપ આપી વિશ્વમાં શાંતિ સ્થાપના કરવાની શ્રેષ્ઠ સાધના કરી છે. પૂજ્ય દાદીના પ્રયાસોથી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું છે તથા તેમની પ્રેરણાથી સમાજ સેવામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા ખુબ મોટી જવાબદારી નિભાવી રહી છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઇતિહાસ અને આદર્શોથી પરિચિત હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સંસ્થા સાધારણ આધ્યાત્મિક સંગઠનથી શરૂ કરીને આજે વૈશ્વિક સંગઠન બની ગયું છે. આ સંસ્થા આજે વિશ્વના 140 દેશોમાં સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સશક્તિકરનું કામ કરે છે. તેમણે ગૌરવ સાથે કહ્યું કે, બ્રહ્માકુમારીઝ સંસ્થા સમગ્ર ભારત વર્ષમાં નશામુક્તિનું અભિયાન ચલાવી રહી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને વિકસીત કરવા માટે યુવા શક્તિના યોગદાનને મહત્ત્વ આપ્યું છે. આપણું યુવાધન વ્યસનોથી દૂર રહી વિકસીત ભારતની અસલી તાકત બને એ આપણા સૌનું દાયિત્વ છે. તેમણે પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે, બ્રહ્માકુમારીઝે આ દાયિત્વ નિભાવીને નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. બ્રહ્માકુમારીઝે ભારત સરકાર સાથે નશામુક્ત ભારત અભિયાન માટે એમ.ઓ.યુ. કર્યા છે.

મુખ્યમંત્રીએ ગુજરાતની વાત કરતા કહ્યું કે, ગુજરાત ડ્રગ્સ અને નશાયુક્ત વ્યસનોની વિરુદ્ધ "ઝીરો ટોલરન્શ"ની નીતિથી કામ કરે છે. 'સે નો ટુ ડ્રગ્સ' જેવા જનજાગૃતિના કાર્યક્રમો પણ ગુજરાતમાં ચલાવવામાં આવે છે. તેમણે બ્રહ્માકુમારીઝના જળ સંગ્રહના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સુજલામ-સુફલામ જળ અભિયાન ખૂબ સફળ રહ્યું છે. જેમાં 86 હજાર લાખથી વધુ ઘનફૂટ જળસંગ્રહનો વધારો થયો છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના એડિશનલ ચીફ બી.કે. મોહિની દીદીએ જણાવ્યું કે, આજે વિશ્વમાં ભારત વર્ષની પ્રગતિ થઈ રહી છે જે શક્તિશાળી લીડરશીપને આભારી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સેવાભાવનાને બિરદાવતા કહ્યું કે, ભૂપેન્દ્રભાઇએ સારા કાર્યો માટે સમય ફાળવ્યો છે એ આપને સૌને પ્રેરણા આપે છે. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ સંસ્થાના બનારસીભાઇ, કૈલાશ દીદી, મૃત્યુંજયભાઇ, ડૉ. પ્રતાપજી સહિત સંસ્થાના અગ્રણીઓ અને દેશભરમાંથી ભાવિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...