અંબાજીમાં રક્ષાબંધન ઉત્સવ:ગુજરાતના 14 જનજાતિ જિલ્લાઓમાં 2 લાખ રક્ષા પોટલીઓ પહોંચાડવામાં આવશે; અંબાજીથી ઉંમરગામ સુધી ઘરે-ઘરે પહોંચશે માં અંબાના આશીર્વાદ

અંબાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમના ઉપક્રમે કલેકટરશ્રી આંનદ પટેલની ઉપસ્થિતિમાં "રક્ષાબંધન ઉત્સવ"નો પ્રારંભ કરાયો

રક્ષા બંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના 14 જનજાતિ જિલ્લાઓમાં માં અંબાના આશીર્વાદ રૂપ 2 લાખ રક્ષા પોટલીઓ પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેની અંબાજી ખાતે કલેકટર આંનદ પટેલની ઉપસ્થિતિમાં "રક્ષાબંધન ઉત્સવ"ની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વનવાસી બહેનો દ્વારા ઉપસ્થિત કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાને કુમ કુમ તિલક કરી પુષ્ય નક્ષત્રમાં રક્ષા પોટલી બાંધી શુભ શરૂઆત કરવામાં આવી હતી.

2 લાખ રક્ષાપોટલીઓ તૈયાર કરાશે
આ અનોખા અભિયાન થકી અંબાજીથી ઉંમરગામ સુધીના 14 જનજાતિ જિલ્લાઓમાં વસતા ગ્રામ્યવાસી, નગરવાસી અને વનવાસી બંધુઓના ઘરે ઘરે મોકલવાની માં અંબાના આશીર્વાદ રૂપ 2 લાખ રક્ષાપોટલીઓ, માં અંબાના પ્રસાદ તરીકે 300 કિલોગ્રામ કંકુ, અને જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને 450 સાડીઓ અર્પણ કરવામાં આવી હતી.

સમગ્ર વિસ્તાર શ્રદ્ધાના એક તાંતણે બંધાશે
શ્રાવણ માસના પ્રથમ દિવસે આયોજિત આ રક્ષાબંધન ઉત્સવ અંતર્ગત રક્ષાબન્ધન પર્વની ઉજવણીને સાર્થક સ્વરૂપ મળશે. અને સમગ્ર વિસ્તાર શ્રદ્ધાના એક તાંતણે બંધાશે તેમજ માં અંબાનું અભય કવચ મળી રહેશે. ઉપરાંત જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને સાડી, અને કંકુ પણ માં ના પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યું છે. આ શુભકાર્યમાં શ્રી હેતલભાઈ રાજ્યગુરુ, રાજકોટ અને શ્રી હુકમભાઈ શેઠ, અંબાજી દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...