મોડાસામાં દાંતની સારવાર કરાવી એક્ટિવા પર ઘરે પરત ફરતા નવલપુરકંપા ધનસુરાના દંપતીને કોલીખડ પાટિયા ટ્રિપલ અકસ્માત નડતાં આધેડ મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે એક્ટિવા ચાલક મહિલાના પતિને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ધનસુરાના નવલપુરકંપા આઝાદ ફાર્મમાં રહેતા પટેલ અંબાલાલભાઈ જેઠાભાઈ અને તેમના પત્ની શારદાબેન દાંતની સારવાર માટે મોડાસા આવી સારવાર કરાવી દંપતી એક્ટિવા નં. જીજે ઝીરો 9 સીપી 6679 ઉપર સાંજે ઘરે પરત જતું હતું. તે દરમિયાન મોડાસા ધનસુરા હાઈવે ઉપર આવેલા કોલીખડ પાટિયા પાસે હાઈવે પરથી ઘાસનો ભારો લઈ એક બાઇક ચાલક પસાર થતાં ઘાસનો ભારો એક્ટિવાને અડી જતાં દંપતીને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં હાઈવે પર જતી ટ્રક નં. આરજે 32 જી સી8300 એ શારદાબેન અંબાલાલ ભાઈ પટેલને ટક્કર મારતાં તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજયું હતું. એક્ટિવા ચાલક અંબાલાલને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. રમેશભાઈએ મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.