રજૂઆત:શૈક્ષણિક સત્રનો ફી વધારો, નોટબુકો યુનિફોર્મનો ભાવ વધારો પાછો ખેંચો

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા પૂર્વ પંચાયત પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

મહામારીના કારણે સતત બે વર્ષથી લોકો કારમી મોંઘવારી આર્થિક ભીંસ સામે ઝઝૂમતા રહ્યા છે. શિક્ષણ સત્રનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ ફી તથા શિક્ષણને લગતા પાઠ્યપુસ્તક નોટબુક યુનિફોર્મ જેવી વિવિધ સામગ્રીના ભાવ અંકુશમાં રાખવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર ભાઈ પારગીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે.અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આદીવાસી સમાજના ભિલોડાના અગ્રણી નેતા રાજેન્દ્રભાઈ પારગીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તા.13 જૂન થી શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ રહ્યો છે.

સરકાર દ્વારા શૈક્ષણિકસત્રનો ફી વધારો કરાયો છે અને સાથે સાથે શિક્ષણને લગતા પાઠ્યપુસ્તક નોટબુક તથા યુનિફોર્મ જેવી વિવિધ વસ્તુઓ પર અસહ્ય ભાવ વધારો કરાયો છે. બે વર્ષ કોરોના કાળ દરમ્યાન તથા અસહ્ય મોંઘવારીને લીધે ફરી શૈક્ષણિક ફી વધારો કરવામાં આવતા સામાન્ય અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઉપર પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી શૈક્ષણિક ફી તથા શૈક્ષણિકને લગતા પાઠ્યપુસ્તક યુનિફોર્મ નોટબુક જેવી વિવિધ સામગ્રીનો ભાવ વધારો અંકુશમાં લાવી વાલીઓને રાહત આપવામાં આવે તે માટે મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...