દબાણને લઈ નગરપાલિકાની લાલ આંખ:મોડાસામાં લારીઓ ધકેલી નાખતા શાકભાજી રોડ પર ઢોળાઈ; લારી ધારક શાકભાજીના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

શહેર હોય કે ગામડું લારી ગલ્લા અને પાથરણા વાળાઓને ધંધો કરવાનો અધિકાર છે. પરંતુ જાહેર રસ્તે કોઈ ટ્રાફિક કે અન્ય રીતે કોઈને અડચણરૂપ ના બને એ ખાસ જોવાતું હોય છે. ત્યારે આજે મોડાસા પાલિકાએ શાકભાજીની લારી ધારકો સામે લાલ આંખ કરી છે.

લારી ધારક શાકભાજીના વેપારીઓમાં ભારે રોષ
મોડાસા પાલિકા દ્વારા જાહેર રસ્તા પર કરાયેલા દબાણો બાબતે અનેક વખત લારી ગલ્લા અને પાથરણા વાળાઓને દબાણો દૂર કરવા સૂચના આપી છે. પરંતુ કોઈએ પાલિકાની સૂચનાને ધ્યાને લીધી નથી. પરિણામે શહેરના નવજીવન ચોક, બસ સ્ટેશન વિસ્તાર અને મોડાસા ચાર રસ્તાથી નવા બસ સ્ટેશન સુધી આવતા તમામ લારી વાળાઓ સામે આજે પાલિકાએ લાલ આંખ કરી હતી. તમામ લારીઓને હડસેલી મુકતા લારીઓ ઊંઘી થઈ હતી અને તેમનું શાકભાજી જાહેર માર્ગ પર ઢોળાયું હતું. જેથી રખડતા પશુઓને પણ જાણે લીલા શાકભાજી આરોગવાની મજા પડી હતી. આમ, ટ્રાફિક નિવારવા માટે લારીઓને ધક્કા મારતા લારીઓના શાકભાજી રસ્તે ઢોળાતા પશુઓને લઈ ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે વધી હતી. ત્યારે લારી ધારક શાકભાજીના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...