આજે 26 જુલાઈ વિશ્વ કારગિલ દિવસ છે, ત્યારે જે જે શહીદો એ કારગિલ યુદ્ધ માં પોતાના જાનની આહુતિ આપી શહીદી વહોરી છે. તેમને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે અનેક વિધ કાર્યક્રમો યોજાશે ત્યારે ભાસ્કર ડિજિટલ પહોંચ્યું છે મેઘરજના અંતરિયાળ એવા પંચાલ ગામે જ્યાં શહીદ વીર લક્ષ્મણ ક્લાસવાનું નિવાસ સ્થાન છે. લક્ષ્મણ ક્લાસવા 1985માં બીએસએફમાં શ્રીનગરથી દેશ સેવામાં જોડાયા હતા. મા ભોમની રક્ષા કરતા કરતા નિવૃત્તિના ફક્ત ત્રણ માસ જેટલો સમય બાકી હતો. ત્યાં કારગિલ હિલ પર આ દેશના દુશ્મનો સામે યુદ્ધ શરૂ થયું. શહિદ લક્ષ્મણ ક્લાસવાએ યુદ્ધમાં લડતા-લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને શહીદી વહોરી હતી. ત્યારે આજે શહીદ લક્ષ્મણ ક્લાસવાના પરિવારજનોએ દુઃખી હૃદયે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
દેશ માટે જીવ આપ્યો પણ પરિવાર સહાયોથી વંચિત
આજે કારગિલ યુદ્ધમાં શહીદ થયે 20 વર્ષ પૂર્ણ થયા ત્યારે શહીદ પરિવારની હાલની સ્થિતિ અંગે અહેવાલ મેળવ્યો તો જાણવા મળ્યું કે કારગિલ યુદ્ધમાં શહીદી વ્હોરનારના પરિવારજનોને એક પેટ્રોલપંપ આપવો તેમના ઘર આગળ શહિદનું સ્મારક બનાવવું વગેરે જે સહાય મળતી હોય છે એમાંનું કાઈ પણ શહીદ લક્ષ્મણ ક્લાસવાના પરિવારજનોને પ્રાપ્ત થયું નથી. તેમના પરિવારમાં એક દીકરો એક દીકરી અને તેમના ધર્મપત્ની અને પુત્રવધુ છે. દીકરીના લગ્ન કરાવી દીધા દીકરો હાલ આઈટીઆઈનો અભ્યાસ કરે છે અને બિલકુલ મધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરે છે. તેમના મકાન સુધી પહોંચવા માટે રસ્તો પણ નથી હાલ ફક્ત જે પેંશન મળે છે, એમાં તેમનો પરિવાર ગુજરાન ચલાવે છે. ત્યારે આજે પણ કારગિલ શહીદ વીર લક્ષ્મણ ક્લાસવાનો પરિવાર સહાય માટે આજીજી કરી રહ્યું છે. આખો દેશ જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ માટે વિવિધ જાહેર કાર્યક્રમો યોજે છે, ત્યારે આવા એક ખૂણામાં પડેલા શહીદ પરિવારને નક્કી કરેલ સહાય મળે એજ સાચી શ્રદ્ધાંજલિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.