એક જ દિવસમાં 3 અકસ્માત:અંબાજી જતા યાત્રાળુઓ માટે માલપુર ગામ પાસેનો રસ્તો બન્યો ભારણ; એકનું મોત જ્યારે અન્ય 6 ઈજાગ્રસ્ત

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

માલપુર ગામને આજે જાણે અકસ્માતનું ગ્રહણ લાગ્યું હોય એમ આજે સવારથી અત્યાર સુધીમાં ત્રીજો અકસ્માત નોંધાયો છે. માલપુર બસ સ્ટેશન વિસ્તારમાં અંબાજી જતા બાઇક ચાલકનું એન્જીન લોક થઇ પટકાઈ જતા બાઇક ચાલકના મોતને એક કલાક થયો હતો, ત્યાં એ જ જગ્યા પર હિંમતનગર તરફથી પુરપાટ ઝડપે આવતી ગોધરા જતી એસટી બસના ડ્રાયવરે બેદરકારીથી બસ ચલાવી એસટીના નિવૃત્ત કર્મચારી મોહનભાઇ વાલ્મિકીને અડફેટે લેતા મોહન ભાઈ ઢળી પડ્યાં હતા. તેઓને હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે તે સમયે બસના ડ્રાયવરે બસ હાઇવે રોડ પર જ મૂકી માલપુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો. તેના લીધે અંબાજી જઈ પરત આવતા મુસાફરો માલપુર બસ સ્ટેશન પર અટવાયા હતા.

માલપુર ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો
દાહોદથી બાઇક પર અંબાજી દર્શનાર્થે નીકળેલા બે માઈ ભક્તો માલપુર ચાર રસ્તા ખાતે આવી પહોંચ્યા હતા. એકા એક બાઇકનું એન્જીન લોક થઈ જતા બંને બાઇક સવારો ભોંય પર પટકાયા હતા. જેથી બંનેને સારવાર અર્થે આસપાસના વેપારીઓ દ્વારા માલપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં બાઇક સવારને ડોક્ટરે મૃત જાહેર કર્યો અને અન્ય એક બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે મોડાસા ખસેડવામાં આવ્યો છે.

કલાકોના સમયમાં જ અકસ્માતની ત્રીજી ઘટના
આ ઘટનાના થોડા સમય બાદ માલપુરમાં જ ત્રીજો અકસ્માત કે જેમાં ટ્રકે કારને પાછળથી ટક્કર મારીને કારના કચ્ચરઘાણ બોલાવી દિધા હતા. સદનસિબે આ અકસ્માતમાં કાર સવારોને સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી.

ત્રણ દિવસ પહેલા જ અકસ્માતમાં સાતનો જીવ ગયો હતો
માલપુરમાં જાણે અંબાજી જતા પદયાત્રીઓ કે અન્ય દર્શનાર્થીઓને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યો છે. આજની ઘટનાના ત્રણ દિવસ અગાઉ સાત પદયાત્રીઓનો માલપુરમાં ભોગ લેવાયો હતો. તે બાદ આજે માલપુર ચાર રસ્તા પર અંબાજીના દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...