અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આવેલી મદદનીશ ચેરિટેબલ કમિશનર કચેરીમાં જનસેવા સંઘ ભિલોડાના હોદ્દેદારો વહીવટી બાબતે બાખડાયા હતા. હોદ્દેદારો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થતાં આજુબાજુની કચેરીમાં કામ અર્થે આવેલા લોકો પણ દોડી આવ્યા હતા. ભિલોડાના જન સેવા સંઘ ટ્રસ્ટના વહીવટી બાબતે થયેલા ઝઘડામાં આધેડને બોચામાં લાફો મારીને જાનથી મારી નાખવાની ધમકી અપાતા મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ભિલોડા ના બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ભિલોડાના ભુપેન્દ્રભાઈ મોહનભાઈ પંડ્યાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ જન સેવા સંઘ શૈક્ષણિક સંસ્થામાં ચાલતા વિવાદના કારણે તેઓ અરવલ્લી જિલ્લા સેવા સદન સેકન્ડ ફ્લોર ઉપર સી બ્લોકમાં આવેલી મદદનીશ ચેરીટેબલ કમિશનર કચેરીમાં આવ્યા હતા. દરમિયાન જન સેવા સંઘ ટ્રસ્ટ ભિલોડાના વહીવટ બાબતે એમને કચેરીમાં ઉપસ્થિત હર્ષદભાઈ ત્રિવેદી અને ગિરીશ કુમાર ઉપાધ્યાયને જણાવ્યું હતું કે જન સેવા સંઘ ટ્રસ્ટ ભિલોડાનો વહીવટ નવા નિમાયેલ અધિક્ષક નીનામા કરશે તેવો મહેસાણા ચેરિટેબલ કમિશનનો હુકમ છે.
તેમ કહેતા હર્ષદભાઈ ત્રિવેદી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ભૂપેન્દ્રભાઈ પંડ્યા સાથે ગાળા ગાળી કરી અને ઝપાઝપી કરી માથાના પાછળના ભાગે લાફો મારીને આ જન સેવા સંઘ ટ્રસ્ટ ભિલોડા નો વહીવટ અમે જ કરવાના તારાથી થાય તે તું કરી લે જે દરમિયાન ગિરીશ કુમાર ઉપાધ્યાય એ ગાળા ગારી કરી આજે તો તું બચી ગયેલ છે.
ફરી મળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ભુપેન્દ્રભાઈ મોહનલાલ પંડ્યા રહે પીપલાફળી ભિલોડા જિલ્લો અરવલ્લી મૂળ રહે શાંતિનગર મીરા રોડ ઇસ્ટ થાના મુંબઈ મહારાષ્ટ્રએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે હર્ષદભાઈ બલદેવ રામ ત્રિવેદી રહે ધનગીરી ગોર ફરી ભિલોડા અને ગિરીશકુમાર પ્રહલાદભાઈ ઉપાધ્યાય રહે ચૌધરી ચોક ભિલોડા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.