બાયડના મુનપુર પાસે ટ્રેક્ટર પલટી ખાઈ જતાં ખેડૂતનું મોત નીપજ્યું છે. નાની ઝેર ગામના એક ખેડૂત ટ્રેક્ટરમાં બટાકા ભરીને ચોઈલા અમદાવાદ રોડ પર આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે નીકળ્યા હતા. એ સમય દરમિયાન ટ્રેક્ટર મુનપુર પાસે એકાએક વળાંકમાં પલટી ગયું હતું. જેના કારણે ડ્રાઈવ કરતા ખેડૂત પોતે જ ટ્રેકટર નીચે આવી જતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે બાયડના અંબાલિયારા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કપડવંજના નાની ઝેર ગામના ખેડૂત અશ્વિન કુમાર પટેલ પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવા માટે ગામના જ યોગેશ પટેલનું ટ્રેક્ટર લઈ ગયા હતા. તેઓ બાયડ અમદાવાદ રોડ પર નીકળ્યા ત્યારે મુનપુર નજીક ઢાળવાળા રસ્તા પર બટાકા ભરેલ ટ્રેકટરનું સંતુલન બગડ્યું હતું. તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર એકાએક પલટી ગયું હતું. ટ્રેક્ટર ચલાવતા ખેડૂત અશ્વિન પટેલ ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.