અરવલ્લીમાં કોંગ્રેસના સૂપડાં-સાફ:મોડાસામાં ભાજપ​​​​​ના ​​​​​​​ભીખુસિંહ પરમારનો ભવ્ય વિજય, ભિલોડામાં પૂર્વ IPS પી.સી બરંડાની ભવ્ય જીત, તો બાયડમાં ધવલસિંહે તમામ પક્ષોને સાઈડમાં કર્યા

અરવલ્લી (મોડાસા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે રાજ્યમાં વિધાનસભાની બેઠકોની મતગણતરી પૂર્ણ કરી દેવાઇ છે. જેમાં અરવલ્લી જિલ્લાની 3 વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી આજે મોડાસા ખાતે યોજાઈ હતી. જેમાં આ વખતે ભાજપે 2 બેઠકો પર બાજી મારી ભગવો લહેરાવ્યો છે. જ્યારે બાયડ બેઠક પર અપક્ષમાંથી ધવલસિંહ ઝાલાની 4 હજાર મતોની લીડથી જીત થઈ છે. તો 2017 માં ત્રણેય સીટ પર વિજય મેળવનાર કોંગ્રેસનો અરવલ્લી જિલ્લમાં સૂપડાં-સાફ થઈ ગયા છે.

જાણો, એનાલિસીસ કઈ બેઠક પર કોની જીત

ભિલોડામાં ભાજપની ભવ્ય જીત
અરવલ્લીની ભિલોડા બેઠક પર પૂર્વ આઇપીએસ પી.સી બરંડાની ભવ્ય જીત થઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. પી.સી બરંડા 15 હજાર કરતા વધુ મતે વિજયી થયો છે. વર્ષો પછી ભિલોડા બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભિલોડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાને 90396 મત મળ્યા હતા. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપસીંહ ભગોરાને 61628 મત મળ્યા હતા. જ્યારે પરિણામમાં ત્રીજા નંબરે રહેલા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પારઘીને 42831 મત મળ્યા હતા. આમ ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવારે નજીકના હરીફ ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારને 28768 મતથી શિકસ્ત આપી હતી.

હાર-જીતના કારણો
ભિલોડા બેઠક પર છેલ્લી ચાર ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટતા આવ્યા હતા. ગત ટર્મમાં ભાજપના પૂર્વ આઇપીએસ પી.સી બરંડા કોંગ્રેસના ડો.અનિલ જોષીયરા સામે હાર્યા હતા. પહેલેથી જ આ બેઠક કોંગ્રેસનો ગાઢ ગણાતી હતી. પણ કોરોનામાં ડો.અનિલ જોષીયરાનું અવસાન થયું. જેથી તેમનો પુત્ર કેવલ જોષીયરા ભાજપમાં જોડાયો અને વિજેતા ઉમેદવાર પી.સી બરંડા 2017 થી 2022 સુધી જનતાની વચ્ચે રહ્યા હતા. આદિવાસી નિગમના ડિરેક્ટર પણ બન્યા, જેથી સામાજિક અને આમ જનતાનો પ્રેમ જીત્યો હતો અને મહત્વની બાબત આમ આદમી પાર્ટીમાં ઉભા રહેલ રૂપસિંહ ભાગોરાએ ભિલોડા તાલુકામાં 59 હજાર મત મેળવ્યા હતા. જેથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પારઘીના મત કપાયા હતા. જેના કારણે કોંગ્રેસ ઉમેદવાર ભિલોડા તાલુકામાં ચાલ્યા અને ભાજપને જે મત મળ્યા એ સરભર થયા અને ભિલોડા બેઠક હેઠળનો મેઘરજ તાલુકો કે ઓબીસી મતદારો વધુ ધરાવતો તાલુકો છે અને ત્યાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ બંનેમાંથી એક પણ પાર્ટી ના ચાલી અને ભાજપના પી.સી બરંડાની વિજયયાત્રા મેઘરજ તાલુકાથી સતત વધતી રહી હતી અને જેના કારણે પી.સી.બરંડાનો ભવ્ય વિજય થયો.

બાયડમાં ધવલસિંહે તમામ પક્ષોને સાઈડમાં કર્યા
બાયડના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની સરેરાશ 4 હજાર મતોની લીડથી જીત થઈ છે. બાયડમાં ભાજપના ભીખીબેન પરમાર સવારથી જ આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ ધવલસિંહ ઝાલાએ તમામ પક્ષોને પાછળ મુકીને અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી છે.

ટિકિટોની જાહેરાત થયા બાદ સૌથી ચર્ચાસ્પદ બનેલી બાયડ બેઠક પર ત્રિપાખીયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ભારે કશમકશ જોવા મળી હતી. મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામમાં વિજેતા બનેલા અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાને 67078 મત મળ્યા હતા. તેઓના નજીકના હરીફ એવા ભાજપના ભીખીબેન પરમારને 61260 મત મળ્યા હતા. તો ત્રીજા નંબરે રહેલા મહેન્દ્રસિંહ વાઘેલાને 29874 મત મળ્યા હતા. આમ અપક્ષ ઉમેદવારે ભીખીબેનને 5818 મતથી પરાજય આપ્યો હતો.

હાર-જીતના કારણો
32 બાયડ વિધાનસભા બેઠક પર બે ટર્મથી કોંગ્રેસ જીતતી આવી છે. ગઈ ટર્મ 2017 માં આ વખતે અપક્ષ વિજેતા બનેલ ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતા. પણ 2019 માં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ફરીથી બાયડ બેઠકની પેટા ચૂંટણી આવી. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જસુભાઈ પટેલને પાર્ટીએ ટીકીટ આપી હતી અને ભાજપે ધવલસિંહ ઝાલાને આ રસાકસી ભરી ચૂંટણીમાં કોંગ્રેસના જસુભાઈ વિજયી બન્યા હતા. એ અઢી વર્ષ ધવલસિંહ પણ બાયડ માલપુર મત વિસ્તારમાં કાર્યશીલ રહ્યા અને કોંગ્રેસમાં જીતેલા જસુભાઈ પણ એક્ટિવ રહ્યા હતા, પરંતુ આ 2022 ની ચૂંટણીમાં જસુભાઈ પટેલને ટીકીટ ના આપી કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાને આપી અને ભાજપે 15 વર્ષ બાદ ફરી ભીખીબેનને ટીકીટ આપી આમ બંને પૂર્વ ધારાસભ્યોને પાર્ટીએ ટીકીટના આપતા ધવલસિંહ ઝાલા બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી. જ્યારે જસુભાઈ પટેલે શાંત રહીને અન્ય કોઈને સહકાર આપ્યો હોય છે. આમ આ બેઠક પર ત્રણ પૂર્વ ધારાસભ્યો લડતા હતા અને ભારે રસપ્રદ રસાકસી વચ્ચે અપક્ષ ઉમેદવારી કરેલા ધવલસિંહ ઝાલા નજીકના ઉમેદવાર ભાજપના ભીખીબેન પરમાર કરતા 5800 મત થી વિજેતા બન્યા હતા. આમ બાયડ બેઠક ભારે રસાકસી વાડી રહી સીટ રહી હતી.

કોંગ્રેસ પાસેથી ભાજપે મોડાસા બેઠક આંચકી લીધી
મોડાસા વિધાનસભા બેઠક પર ત્રિપાખિયા જંગની શક્યતાઓ પર જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. મોડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય ઉમેદવાર ભીખુસિંહ પરમારની જીત 30 હજાર કરતા વધુ મતથી વિજય થયો છે. કોંગ્રેસ પાસેથી ભાજપે બેઠક આંચકી લીધી છે. છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય રહેલા રાજેન્દ્રસિંહ ઠાકોરની કારમી હાર થઈ છે. મોડાસામાં ભાજપ વિજય તરફ સતત 20માં રાઉન્ડમાં લીડ યથાવત જોવા મળી હતી. પરંતુ મોડાસા શહેરમાં ભાજપની લીડ ઘટી છે. શહેરી વિસ્તારમાં 4 હજાર મત ભાજપને ઓછા મળ્યા છે. મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમાર ને 98475 મત મેળવ્યા હતા. ભાજપના સૌથી નજીકના હરીફ ઉમેદવાર અને સતત ત્રીજી વખત ચૂંટણી લડેલા કોંગ્રેસી ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર ને 63687 મત મળતા કોંગ્રેસ ને ભાજપે 34968 ની લીડથી હાર આપી હતી. અને ભવ્ય વિજય થયો છે.

હાર જીતના કારણો
31 મોડાસા વિધાનસભા બેઠક પર બે ટર્મ થી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર જીત્યા હતા. છેલ્લી ટર્મમાં તેઓએ ફક્ત 1600 મતથી વિજયી થયા હતા. સતત બે ટર્મ કોંગ્રેસમાં જીત્યા જેના કારણે વિકાસના કામોમાં પૂરતો સંતોષ ન આપી શક્યા.

જીત મેળવનાર ભીખુસિંહ પરમાર દ્વારા ગત ટર્મમાં નજીવા માર્જિનથી પરાજિત થયા બાદ પોતાની ભૂલો જે કાંઈ હતી તેને સુધારીને પાંચ વર્ષ પ્રજાજનોની વચ્ચે રહ્યા હતા. બંને ઉમેદવાર ઓબીસી સમાજના હતા. જેથી આ ચૂંટણીમાં સમાજે ભીખુસિંહને વધારે આશીર્વાદ આપ્યા અને આ ચૂંટણીમાં મોટા મોટા દિગ્ગજોની સભાઓ પણ થઈ હતી. આવા અનેક કારણોના લીધા બે ટર્મ બાદ આ ત્રીજી ટર્મમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.

બિન વારસી બેલેટ પેટી મળી
મોડાસા GEC મત ગણતરી કેન્દ્ર ખાતે બિન વારસી બેલેટ પેટી મળી આવી છે. ચૂંટણી વિભાગ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. પોલીસના સઘન બંદોબસ્ત અને ચૂંટણી વહીવટી કર્મચારીઓની હાજરીમાં બેલેટ મત પેટી મળતા પ્રશ્ન ઉઠવા પામયો હતો. મીડિયા કર્મી દ્વારા બીન વારસી પેટીના દ્રશ્યો કેમેરામાં કેદ કરતા કર્મચારીએ પેટીને ઉઠાવી હતી.

જિલ્લામાં સરેરાશ 67.55 ટકા મતદાન થયું હતું
અરવલ્લી જિલ્લામાં કુલ 8 લાખ 30 હજાર 547 જેટલા મતદારો નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 5 લાખ 59 હજાર 299 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની ત્રણેય બેઠકો પર સરેરાશ 67.55 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.44 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે સરેરાશ 3 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

2017 અને 2022ની બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

બેઠકનું નામ2017નું મતદાન2022નું મતદાન
બાયડ70.8870.02
ભિલોડા69.4665.07
મોડાસા71.1768.2

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?
બાયડ બેઠકની મતગણતરી 14 ટેબલ પર 29 રાઉન્ડમાં થશે. જ્યારે ભિલોડા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 29 રાઉન્ડમાં અને મોડાસા બેઠકની પણ 14 ટેબલ પર 29 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જિલ્લાની 3 બેઠકોની મતગણતરી કુલ 42 ટેબલ પર હાથ ધરાશે.

જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

બાયડ બેઠક
બાયડ બેઠક પર આ વખતે 70.02 ટકા મતદાન થયું છે. અહીં 2017માં 1 લાખ 58 હજાર 248 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 70.88% મતદાન થયું હતુ. જેમાં 72 હજાર 855 મહિલાઓ અને 82 હજાર 674 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા 7901 મતથી જીત્યા હતા. જેમાં ધવલસિંહ ઝાલાને 79 હજાર 556 મત મળ્યાં હતા, જેની સામે ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણને 71 હજાર 655 મત મળ્યાં હતા. ભાજપે અદેસિંહ ચૌહાણની ટિકિટ કાપીને ભીખીબેન પરમારને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે પણ સિટિંગ MLA ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપીને મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલને ટિકિટ આપી હતી. અહીં કુલ 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેઓના ભાવિનો
ફેંસલો આજ થશે.

ભિલોડા બેઠક
ભિલોડા બેઠક આ વખતે 65.07 ટકા મતદાન થયું છે. 2017માં 1 લાખ 94 હજાર 855 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 69.46% મતદાન થયું હતુ. જેમાં 92 હજાર 92 મહિલાઓ અને 98 હજાર 929 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડો. અનિલ જોષીયારા 12 હાજર 417 મતથી જીત્યા હતા. જેમાં ડો. અનિલ જોષીયારાને 95 હજાર 719 મત મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવાર પી.સી. બરંડાને 83 હજાર 303 મત મળ્યા હતા. આ વખતે ભાજપ તરફથી પી.સી. બરંડા, કોંગ્રેસમાંથી રાજુ પારઘી અને આમ આદમી પાર્ટીએ રૂપસિંહ ભગોડાને ટિકિટ આપી છે. અહીં કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેઓના ભાવિનો
ફેંસલો આજ થશે.

મોડાસા બેઠક
મોડાસા બેઠક આ વખતે 68.20 ટકા મતદાન થયું છે. 2017માં 1 લાખ 74 હજાર 989 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 71.17% મતદાન થયું હતુ. જેમાં 80 હજાર 580 મહિલાઓ અને 91 હજાર 267 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર 1640 મતથી જીત્યા હતા. જેમાં રાજેન્દ્રસિંહ ઠાકોરને 83 હજાર 411 મત મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમારને 81 હજાર 771 મત મળ્યા હતા. આ વખતે ભાજપ તરફથી ભીખુસિંહ પરમાર, કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટીએ રાજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે. અહીં કુલ 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેઓના ભાવિનો
ફેંસલો આજ થશે.

જિલ્લાની 2017ની સ્થિતિ
અરવલ્લીની 3 બેઠક પર 30 ઉમેદવાર મેદાને છે. 2017માં અહીં કોંગ્રેસે બાજી મારી હતી. ભાજપનું ખાતું પણ નહોતું ખૂલ્યું. 2017ની ચૂંટણીમાં જિલ્લામાં 5 લાખ 28 હજાર 92 મતદારોએ મતદાન કર્યું હતુ, એટલે કે જિલ્લામાં કુલ 70.44% મતદાન થયું હતું. જ્યારે આ વખતે 67.55 ટકા એટલે કે સરેરાશ 5 ટકા મતદાન ઓછુ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...