અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 33માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા કરવામાં આવ્યું હતું. માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો/અભિયાન ચલાવવામાં આવે છે. આવું જ એક અભિયાન માર્ગ સલામતી સપ્તાહ-2023 11 જાન્યુઆરી થી શરૂ કરવામાં આવ્યું. માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. 11 થી 17 જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે.
કલેક્ટરએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક લોકો જીવ ગુમાવે છે. જેનાથી તેમના પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેના પરિણામે આર્થિક અને સામાજિક નૂકસાન પણ થતું હોય છે. જેથી નાગરિકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવો ખૂબ જ આવશ્યક છે. રોડ ઉપર સેફ્ટીના નિયમોનું પાલન કરવાથી પોતાની ફેમિલીને પણ સુરક્ષિત કરીએ છીએ. સૌથી વધારે યુવાનો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યાં છે. આ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીએ અને કરાવીએ. રોડ અને ટ્રાફિકમાં દરેક નિયમોને જવાબદારીથી અનુસરવા જોઈએ. એક જાગૃત નાગરિક બનીને સુરક્ષાના દરેક નિયમ પાળવા જોઈએ. આપણા જિલ્લામાં નિયમોનું પાલન કરીને અકસ્માતના આંકડાને ઘટાડીયે.
માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમિતિઓ દ્વારા આર.ટી.ઓ., પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે ઓથોરીટી સાથે સંકલનમાં ટ્રાફિક નિયમોની જાણકારી અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે.
આ કાર્યક્રમમાં,આર.ટી.ઓ., પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યાં.અને ટ્રાફિક નિયમોનુ પાલન કરી અને કરાવીને જીવન સુરક્ષીત બનાવવાની સપથ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.