હું સાબરકાંઠા જિલ્લા સહકારી બેંક મેનેજર બોલું છું તમારા સસરાનું એકાઉન્ટ સીઝ થઈ ગયું છે તેમ કહી ગઠિયાએ મોડાસામાં રહેતા વેટરનરી ડોક્ટરને વિશ્વાસમાં લઈને જુદા જુદા બે મોબાઈલ નંબર આપીને ફોન પે એકાઉન્ટ મારફતે રૂપિયા એક લાખની છેતરપિંડી આચરીને સાયબર ફ્રોડ કરતાં વેટરનરી ડોક્ટરે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોડાસાની નાલંદા-2 સોસાયટીમાં રહેતા અને છેલ્લા 4 માસથી સાબરડેરીની મોડાસામાં વેટરનરી ડોક્ટર તરીકે ફરજ બજાવતા જેકી નરેશભાઈ ચૌધરી મોડાસાના અમલાઈમાં ફિલ્ડ વિઝીટમાં હતા. તે દરમિયાન તેમની ઉપર મોબાઈલ નંબર 9348479782ના હિન્દીમાં વાતચીત કરતા ધારકે જણાવ્યું કે હું સાબરકાંઠા સહકારી બેન્ક મેનેજર બોલું છું અને તમારા સસરા હરિભાઈ મુળાભાઈ પટેલ તથા સાસુ મધુબેન અંગે વાતચીત કરીને ડોક્ટરને વિશ્વાસમાં લઈ ગઠિયાએ જણાવ્યું કે તમારા સસરાના એકાઉન્ટના ટ્રાન્જેક્શનની સંખ્યા વધી ગઈ છે જે બેંકના નિયમ મુજબ તમારા સસરાનું બેન્ક એકાઉન્ટ સિઝ કરાય છે.
બેંક એકાઉન્ટ ફરીથી ઓપન થઈ શકે તેમ ન હોય તમારા સસરાના એકાઉન્ટમાં હાલ ₹1,26,000 ની રકમ છે જે નરસિંહભાઈ મુળાભાઈ પટેલના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે તેમ ન હોય તમારા સસરાએ તમારું નામ અને મોબાઈલ નંબર આપ્યા હોવાનું જણાવીને ડોક્ટરને વિશ્વાસમાં લઈ હું જે સ્ટેપ કહું તેમ કરવું પડશે નહીં તો તમારા સસરાના એકાઉન્ટમાં જમા પૈસા સિઝ થઈ જશે અને તમને પૈસા પરત મળશે નહીં તેમ કહીને ગઠિયાએ મોબાઈલ નંબર 7296001422 જેનું યુપીઆઈ આઈડીમાં બબલુ રવાની નામ બતાવે છે અને અન્ય મોબાઇલ નંબર 7076433655 આ ધારક નું યુપીઆઈ આઈડી માં અર્જુન કુમાર નામ બતાવે છે.
આ બંને એકાઉન્ટમાં ગઠિયાએ ડોક્ટર પાસે પ્રથમ રૂપિયા 4000 બાદમાં 10,000 તથા 36000 તેમજ ફોનપેમાંથી રૂપિયા 50,000 નું ટ્રાન્જેક્શન કરાવીને ગઠિયાએ છેતરપિંડી કરતાં ડો.જેકી નરેશભાઈ ભીખાભાઈ ચૌધરી રહે. નાલંદા-2 સોસાયટી મોડાસા મૂળ રહે મુનાઈ તા.ભિલોડાએ સાયબર ક્રાઇમમાં 1930 ઉપર ફરિયાદ કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરના આધારે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.