મેઘ તાંડવે તારાજી સર્જી:મોડાસામાં વરસાદ ખાબકતાં સરડોઈ, ટીંટીસર ગામ પ્રભાવિત, ખેતીપાકમાં નુકશાન, જમીનોનું ધોવાણ થયું, ઉગેલો પાક પાણીમાં ગરકાવ

અરવલ્લી (મોડાસા)4 દિવસ પહેલા
  • મોડાસાના ગ્રામ્ય પંથકમાં 3થી 6 ઇંચ વરસાદ વરસતા પાકમાં મોટું નુકશાન થયું
  • જમીનનું ધોવાણ અટકાવવા પાળા કરેલા હતા તે પણ તૂટી ગયા

અરવલ્લી જિલ્લામાં વરસાદે સર્જેલી તારાજી બાદ નુકશાની સામે આવી છે. ખાસ કરીને ખેતરોમાં કરેલા વાવેતરમાં પાણી ફરી વળ્યાં હતા. જમીનનું ધોવાણ અટકાવવા પાળા કરેલા હતા તે પણ તૂટી ગયા હતા. પરિણામે મોટા પાયે જમીનોનું ધોવાણ થયું હતું.

પાળો ધોવાતાં ખેતરમાં એરંડાના પાકને મોટું નુકશાન
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ગઈકાલે શુક્રવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં 3થી 6 ઇંચ વરસાદ વરસતા પાકમાં મોટું નુકશાન થયું છે. તાલુકાના સજાપૂર, ટિંટીસર, ગોખરવા, લાલપુર, સરડોઈમાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા હતા. વિસ્તારના 100 વીઘા જમીન વિસ્તારમાં લહેરાતો લીલો પાક ઉજ્જડ બની ગયો છે. સજાપુર ગામની સીમમાં આવેલા ખેતરોમાં રોડ સાઈડનો પાળો ધોવાતાં ખેતરમાં એરંડાના પાકને મોટું નુકશાન થયું છે. ખેતરમાં હવે પાકની જગ્યાએ કોંક્રિટ, માટી ફરી વળી હતી. મકાઈ-મગફળીમાં પાણી ભરાવાના કારણે પાક કોહવાઈ જવા પામ્યો છે. ત્યારે સ્થાનિક પંચાયતો દ્વારા સર્વેની માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...