ખાતર ડેપો આગળ લાંબી લાઈનો લાગી:મેઘરજમાં 5 થેલી ખાતરની જરૂરિયાત સામે ફક્ત એક જ થેલી મળતા ખેડૂતોમાં નારાજગી; પૂરતો જથ્થો આપવા માગ

અરવલ્લી (મોડાસા)21 દિવસ પહેલા

ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ ખાબક્યો છે, જેના કારણે નદી, નાળા, બોર, કુવાના સ્તર ઊંચા આવ્યા છે. જેથી શિયાળામાં ખેડૂતો ધાર્યો પાક લઈ શકે તેમ છે, પણ પાક માટે પાણી સાથે ખાતર પણ એટલી જ જરૂર પડે છે. ત્યારે મેઘરજમાં ખાતરની અછત હોવાના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેડૂતોને 5 થેલી ખાતરની જરૂરીઆત સામે માત્ર એક જ થેલી ખાતર મળી રહ્યું છે, સાથે ખાતર લેવા માટે સવારથી જ ખેડૂતોને લાંબી કતાર લગાવવી પડે છે.

ખાતર ડેપો આગળ ખેડૂતોની લાંબી લાઈનો લાગી
મેઘરજ તાલુકામાં ખેડૂતોએ 15 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ વાવેતર કર્યું છે. જેમાં ખાસ કરીને ઘઉં, ચણા, મગ, કપાસનું વ્યાપક વાવેતર થયું છે, ત્યારે હવે આ વાવેતરમાં રાસાયણિક ખાતરની જરૂરિયાત હોય છે. ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી, જેના કારણે ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ત્રણ-ત્રણ કલાક લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. મેઘરજ નગરમાં આવેલ ખાતર ડેપો પર વહેલી સવારથી આસપાસના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી લાઈનો લાગી હતી. હાલ 5 થેલી ખાતરની જરૂરિયાત સામે ફક્ત એક જ થેલી મળે છે, જેથી ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી છે. ત્યારે પૂરતા પ્રમાણમાં ખાતર મળે એવી સ્થાનિક ખેડૂતોમાં માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...