ફાગણ માસમાં અષાઢી માહોલ:મોડાસા, મેઘરજ અને માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ, કમોસમી વરસાદથી ખેતીવાડીને નુકશાન

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ બારે માસ થોડા થોડા મહિને વાતાવરણમાં પલટો જોવા મળે છે. ચોમાસા સિવાયની ઋતુમાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકશાન આવતું હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

આજે એક તરફ હોળી પ્રાગટ્યનો સમય તો બીજી તરફ કમોસમી વરસાદે પણ જોર પકડ્યું છે. ભારે ગાજ વીજ પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને મોડાસા તાલુકા અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

મોડાસા તાલુકાના ઉમેદપુર, ટીંટોઇ, જીવણપુર, જીતપુર ,મરડીયા,દઘાલીયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેનાથી ખેડૂતોના માથે જાણે આભ તૂટી પડ્યા જેવો ઘાટ થયો છે. ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલા પાક પલડી જવાથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખાસ ટીંટોઇમાં વરસાદની ધોધમાર બેટિંગ જોવા મળી હતી. ભારે કરા પડ્યા છે ત્યારે રાહીશોમાં પણ ભારે કુતુહલ જોવા મળ્યું.

મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારો સહિત નગરમાં પણ તોફાની વરસાદ ખાબક્યો છે. ઇસરી, રેલ્લાવાડા, તરકવાળા, કસાણા સહિતના વિસ્તારોમાં ભારે તોફાની કરા સાથે વરસાદ ખાબક્યો છે. માલપુર તાલુકામાં પણ સમી સાંજે પવન સાથે વરસાદ ખાબક્યો છે.

અરવલ્લી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, અડદ, બટાકા, શાકભાજીના પાકોને નુકશાન થવાની ભીતિ છે. ઘઉં, કપાસ, ચણા જેવા પાકો માર્કેટમાં પહોંચાડવાના સમયે વરસાદ જાણે વિલન બન્યો, ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...