વિરોધ:મોડાસા પાલિકાની ઘનકચરાની ડમ્પિંગ સાઇટનો મહાદેવ ગ્રામ સહિત આઠ ગામના લોકોનો વિરોધ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પિંગ સાઈટની જમીનમાં સાફ-સફાઈ કરવા આવેલા પાલિકાના બંને જેસીબી ગામલોકોએ રવાના કર્યા

મોડાસા પાલિકાની નવી ડમ્પિંગ સાઈટ જગ્યાને લઈને મહાદેવ ગામ સહિતના અન્ય 8 કરતાં વધુ ગામજનોએ વિરોધ નોંધાવતા પાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટની સાફ-સફાઈ કરવાનું શરૂ કરતાં જ ગ્રામજનોએ ડમ્પિંગ સાઇટની જગ્યાનો સખત વિરોધ કરતાં બે જેસીબી રવાના થઇ ગયા હતા.

મોડાસા પાલિકાની શામળાજી રોડ ઉપર જિલ્લા કોર્ટની બાજુમાં જૂની ડમ્પિંગ સાઇટનો જિલ્લા બાર એસોસિએશને વિરોધ કરી હાઇકોર્ટમાં કેસ કરાતા કોર્ટ દ્વારા પાલિકાની ડમ્પિંગ સાઈટની જગ્યા માટે હુકમો કરાયા હતા. પાલિકાની નવી ડમ્પિંગ સાઈટ માટે પાલિકા દ્વારા અન્ય જગ્યાએ માગણી કરતાં સત્તાવાળાઓ દ્વારા મોડાસાના મહાદેવ ગામ પંચાયત વિસ્તારમાં અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં જગ્યા ફાળવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ જગ્યા ઉપર મોડાસા પાલિકા દ્વારા બે જેસીબી દ્વારા ડમ્પિંગ સાઈટ માટે સાફ-સફાઈ કરવા જતાં મોટી સંખ્યામાં અગ્રણીઓ દોડી ગયા હતા અને ડમ્પિંગ સાઈટનો સખત વિરોધ કરતાં ગામલોકોનો આક્રોશ જોઈને બંને જેસીબી રવાના થઈ ગયા હતા. ગામના સરપંચ પંકજસિંહે જણાવ્યું અમો ગામજનોએ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને બોલાવવા માટે સ્થળ ઉપર ઉપસ્થિત કર્મીઓને જણાવ્યું હતું પરંતુ કોઈ જવાબદારો સ્થળ ઉપર ફરક્યા ન હતા.

ગ્રામજનોએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી ગામલોકો આ મુદ્દે કલેક્ટરને આવેદન આપશે
ગામના અગ્રણીઓ જણાવ્યું હતું કે અહીંયા ડમ્પિંગ સાઈટ માટે અગાઉ પણ ગામજનો દ્વારા વિરોધ કરાયો હતો છતાં પણ ચાર મહિના બાદ આ જગ્યા ઉપર ડમ્પિંગ સાઈડ ફાળવવા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાવતા ગામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ જગ્યા મામલે આગામી સમયમાં ગામજનો દ્વારા ભૂખ હડતાળ કરી આત્મ વિલોપન સુધીની ચીમકી ઉચ્ચારાઇ હતી. સરપંચે જણાવ્યું હતું કે આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવા ગ્રામજનો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

નગરપાલિકાની ગંદકી મહાદેવ ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ કાળે નહીં ઠલવાય:સરપંચ
સરપંચ પંકજસિંહે જણાવ્યું કે મહાદેવ ગામ, બાકરોલ ગામ પંચાયત વિસ્તારમાં 8 જેટલા ગામડા આવેલા છે. તદુપરાંત મહાદેવ ગ્રામમાં ગાંધી સ્મારક આવેલું છે. ઉપરાંત જીતપુર અને રાજપુરમાં પ્રસિદ્ધ રામદેવપીર મહારાજનું મંદિર આવેલું હોવાથી અહીંયા દર બીજે મેળા જેવો માહોલ રહે છે. 8 ગામના લોકોને અવરજવર માટે મુખ્ય રસ્તા પાસે ગંદકી કોઈ કાળે ગ્રામ પંચાયત વિસ્તારમાં ઠાલવવા દેવાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...