વિધાનસભાની ચૂંટણીઓ પુરી થયા બાદ વિજયી બનેલા ધારાસભ્યોના ઠેર ઠેર મત વિસ્તારોમાં સ્વાગત અને સન્માન સમારંભો યોજાવાના શરૂ થયા છે. ત્યારે આજે 30 ભિલોડા બેઠકના ધારાસભ્ય પી.સી. બરંડાનો મેઘરજ તાલુકાના સિસોદરા ખાતે આવેલા મેઘાઈ માતાના મંદિરે ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો.
જનતાએ 30 હજાર મતથી વિજયી બનાવ્યા
ભિલોડા બેઠક છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે. અહીં ડો. અનિલ જોષીયરા ચાર ટર્મથી ચૂંટાતા આવતા હતા. કોરોનાના કારણે તેમનું અવસાન થયું ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા પૂર્વ આઇપીએસ અધિકારી પી.સી. બરંડાને ફરી મેદાનમાં ઉતાર્યા હતા. પી.સી. બરંડા કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને બેઠક આંચકી લેવામાં સફળ રહ્યાં હતા. ત્યારે વિજેતા ધારાસભ્ય પી.સી. બરંડાનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. મેઘરજ તાલુકાએ જીતની લીડ આપી 30 હજાર મતથી વિજયી બનાવ્યા હતા.
મતદારોનો આભાર માન્યો
મેઘરજના બાઠીવાડા અને બેલ્યો જિલ્લા પંચાયત વિસ્તારના અગ્રણીઓ મતદારોનો સન્માન સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પી.સી. બરંડાએ જણાવ્યુ હતું કે, વર્ષોથી આ વિસ્તારમાં અનેક પ્રાણ પ્રશ્નો ઉકેલ્યા વગરના છે. જે સત્વરે ઉકેલી મેઘરજ તાલુકાને વિકાસ શીલ બનાવીશું કહી મતદારોનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.